ટંકારામાં રુપાલાએ જય શિવાજી, જય ભવાનીના નારા લગાવ્યા
- Advertisement -
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા અને ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજના આગેવાનોને સમજાવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 ચલાવવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે ટંકારા ખાતેની ચૂંટણી સભા દરમિયાન ફરી એકવાર ક્ષત્રિય સમાજને સમજાવવાનો પ્રયાસ કરતા રુપાલાએ જય શિવાજી, જય ભવાનીના નારા લગાવ્યા હતા અને કહ્યું હતું કે નાની-મોટી વાતો ભૂલીને વડાપ્રધાન મોદીના હાથ મજબૂત કરવા અને રાષ્ટ્રહીતના કાર્યમાં સહયોગ આપવા ક્ષત્રિય સમાજને હું ફરી એકવાર અપીલ કરું છું.
પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં બ્રિટિશરો ગયા પછી આપણી નૌસેનાની અંદર બ્રિટિશની સેનામાં જે નિશાન હાલતું હતું એ નિશાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી રહ્યું હતું. મોદીએ વિક્રાંતને ભારતની નૌકાદળની અંદર જોડ્યું એ દિવસે મોદીએ એ ચિન્હને ભૂંસી નાંખ્યું અને તેના સ્થાને જે ચિન્હ લગાવવામાં આવ્યું છે એ આજે અહીં જણાવવામાં માગું છું. એ છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે ચિન્હ હતું એ ચિન્હને લગાવવામાં આવ્યું છે. ત્યારબાદ રુપાલાએ જય શિવાજી, જય ભવાનીના નારા લગાવ્યા હતા અને ક્ષત્રિય સમાજને એક અપીલ કરી હતી.
ક્ષત્રિય સમાજને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ મંચ પર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરું છું. દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્ર મોદીના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને હું અપીલ કરું છું કે, રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદીના હાથ મજબૂત કરવા માટે અને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાવ એવી અપીલ છે.
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ મોરબીમાં રોડ શો અને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આ સાથે રાજકોટ લોકસભા મતવિસ્તારમાં પણ એક કાર્યાલય ખોલવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે ક્ષત્રિયોને લઈને મહત્વનું નિવેદન પણ આપ્યું હતું. રૂપાલાએ સરાજાહેરમાં ક્ષત્રિયોને ખાસ અપીલ કરી હતી.
- Advertisement -
આ બેઠકમાં પરષોત્તમ રૂપાલા સાથે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, ટંકારાના વર્તમાન ધારાસભ્ય દુરાભાઈ દેથરિયા અને મોરબી મડિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યસભાના સાંસદે મોદી સરકારની વિવિધ યોજનાઓ અને લાભો વિશે જણાવ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી પીએમ બનાવવાની હાકલ કરી છે.
રાજકોટમાં રૂપાલાએ બાલક હનુમાનજીના દર્શન કર્યાં
સુરતમાં કમળ ખીલ્યું તે મહારાજની કૃપા, દેશમાં 400 પારનો વિશ્વાસ પરસોતમ રૂપાલાએ વ્યક્ત કર્યો
આજે હનુમાનજયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા શહેરના સામા કાંઠે આવેલા પ્રખ્યાત બાલક હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. જ્યાં હવનમાં આહુતિ આપ્યા બાદ હનુમાનજી મહારાજના દર્શન કર્યા હતા. આ તકે તેમણે કહ્યું કે, ગુજરાતમાં સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું તે હનુમાનજી મહારાજની કૃપા છે. દેશમાં 400થી વધુ બેઠકો ભાજપને મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.