આ દેશના રાષ્ટ્રપતિ પર કાળા જાદુના પ્રયાસના કથિત મામલામાં પર્યાવરણ મંત્રાલયના રાજ્ય મંત્રીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ?
માલદીવથી એક ખળભળાટ મચી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝઝુ પર કાળા જાદુના પ્રયાસનો એક કથિત મામલો સામે આવ્યો છે. કાર્યવાહી કરતા પોલીસે મોહમ્મદ મુઈઝઝુ સરકારના એક મંત્રીની પણ ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર પર્યાવરણ મંત્રાલયના રાજ્ય મંત્રી શમનાઝ અલીને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને સાત દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. પોલીસ પ્રવક્તાએ પણ સમાચાર એજન્સી EFEને મંત્રીની ધરપકડની પુષ્ટિ કરી છે. આ તરફ મંત્રી ઉપરાંત અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
- Advertisement -
અગાઉ પોલીસે શમનાઝના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એવી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જેનો ઉપયોગ કાળા જાદુ માટે થઈ શકે છે. પર્યાવરણ મંત્રાલય સંભાળતા પહેલા શમનાઝ રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્ય મંત્રી તરીકે કામ કરતી હતી. શમનાઝના ભૂતપૂર્વ પતિ આદમ રમીઝે પણ મોહમ્મદ મુઈઝઝુ સાથે સિટી કાઉન્સિલમાં સેવા આપી હતી અને રાષ્ટ્રપતિ કાર્યાલયમાં મંત્રી છે. કાળો જાદુ સ્થાનિક રીતે ફંડિતા અથવા સિહુરુ તરીકે ઓળખાય છે. તમને જણાવી દઈએ કે, ઈસ્લામિક કાયદા હેઠળ ગંભીર અપરાધ માનવામાં આવે છે તેમ છતાં માલદીવમાં આ માન્યતાનું ખૂબ જ પાલન કરવામાં આવે છે.
આવી પ્રથાઓથી દૂર રહેવાની સલાહ
મે મહિનામાં પોલીસે સંસદીય ચૂંટણી લડી રહેલા શાસક પક્ષના સભ્ય પર કાળો જાદુ કરવાના આરોપમાં 60 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. ડિસેમ્બર 2015માં ઇસ્લામિક મંત્રાલયે એક જાહેર નિવેદન બહાર પાડીને ચેતવણી આપી હતી કે સમાજમાં ‘કાળો જાદુ’ ખૂબ જ સામાન્ય બની રહ્યો છે અને વ્યક્તિએ આવી પ્રથાઓથી દૂર રહેવું જોઈએ.