ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા યુવાનને શેરબજારમાં રોકાણ કરીને સારો નફો કમાવવા માટેની લાલચ આપી 1.18 કરોડ રૂપિયા મેળવી છેતરપિંડી કર્યાના બનાવમાં તેણે બે મોબાઈલ નંબરના ધારક અને 13 બેંકના એકાઉન્ટ નંબરના ધારકોની સામે મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગાંધીધામના શખ્સની ધરપકડ કરી છે.
- Advertisement -
ટંકારામાં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ભાસ્કરભાઈ જશવંતભાઈ સંઘાણી ઉ.33એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બે મોબાઇલ અને 13 બેંક ખાતા ધારકો સામે 1.18 કરોડની ઠગાઇ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા. 23/4/24 થી 5/7/24 ના સમયગાળા દરમિયાન આરોપીઓએ શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરાવીને સારો નફો કમાવી આપવાની લોભામણી લાલચ આપી હતી અને ફરિયાદી યુવાન સાથે વિશ્ર્વાસ કેળવી જુદા જુદા બેંક એકાઉન્ટમાં સમયાંતરે કુલ મળીને 1.18 કરોડ રૂપિયા મેળવી લીધા હતા. ભોગ બનેલા યુવાન દ્વારા મોબાઈલ નંબર અને 13 બેન્ક એકાઉન્ટના ધારકોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પીઆઇ આર.એસ. પટેલ અને તેની ટીમે ગાંધીધામના આરોપી કિશનભાઇ બળદેવભાઈ ઠક્કરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.