રાજકોટ કલેકટર પ્રભવ જોષીએ કહ્યું- લોકશાહી માટે ‘વોટિંગ’ હેલ્ધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.01
- Advertisement -
રાજકોટમાં આજે 1 મેએ મતદાન જાગૃતિ માટે બહુમાળી ભવન સર્કલથી કેકેવી ચોક સુધી 8 કિમીની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર પ્રભવ જોષી સહિત મોટી સંખ્યામાં યુવાનોએ સાયકલ પર સવારી કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે રાજકોટ શહેરના રાઇડર્સ સાથે મતદાન જાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં હું જોડાયો હતો. સાયકલિંગ હેલ્ધી એક્ટિવિટી છે અને સાથોસાથ વોટિંગ લોકશાહી માટે હેલ્ધી એક્ટિવિટી છે. જેથી આ રીતે વોટિંગનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છીએ. રાજકોટ સાયકલ ક્લબ સહિતની સંસ્થાઓ આ સાયકલ રેલીમા જોડાઈ હતી. આ તકે યુવાનોની સાથે સ્કાઉટ ગાઈડર્સે સાયકલ ચલાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પર આગામી 7 મેના મતદાન છે. ત્યારે અલગ અલગ પ્રકારની ફેસિલિટી પોલિંગ બુથોની વ્યવસ્થા કરાઈ છે.
સાથે અમે એ તકેદારી રાખી છે કે, હીટવેવથી લોકોને પરેશાની ન રહે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ મતદાનના પ્રચાર અને પ્રસારમાં જોડાયેલી છે. જેથી હું અપીલ કરવા માગું છું કે, મતદાન એ આપણી પવિત્ર ફરજ છે. જેથી તેનો ઉપયોગ લોકોએ કરવો જોઈએ. દરમિયાન આજે સાયકલિંગ થકી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચાડવા માટે અહીં સૌ એકત્ર થયા છીએ. રેલીના પ્રસ્થાન સ્થળે ‘I am a smart voter, Ivote for sure’ આ પ્રકારનુ સેલ્ફી સ્ટેન્ડ પણ રાખવામાં આવ્યું હતું. કલેક્ટર પ્રભવ જોષી અને જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે લોકસભા ઇલેક્શન વોટ રાજકોટના મતદાનનું પોસ્ટર લઈને નજરે પડ્યાં હતાં. મતદાન જાગૃતિ માટેની સાયકલ રેલી રેસકોર્સ બહુમાળી ભવનથી શરૂ થઈને રોટરી સર્કલ તરફથી મેયર બંગલો, કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડથી રામકૃષ્ણ આશ્રમ, કમિશનર બંગલો રોડથી ટાગોર રોડ, લક્ષ્મીનગર અંડરપાસથી નાના માવા સર્કલ થઈને જમણી તરફ વળીને બીગ બજાર તરફ જતા કેકેવી ચોકે રેલી પૂર્ણ થઈ હતી.