અમદાવાદમાં અજીબ કિસ્સો!
સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમો પતિને પડ્યા ભારે; અલગ-અલગ રસોઈ બનાવવાનો નિર્ણયનો વિવાદ આખરે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો !
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદમાં છુટાછેડાનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક દંપતી વચ્ચે ભોજનમાં ડુંગળી અને લસણ ખાવાની બાબતે થતાં ઝઘડા એટલી હદે વધી ગયા કે, લગ્નના 11 વર્ષમાં જ વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ. પત્ની બાળકને લઈને જતી રહેતા પતિએ પત્નીના આહાર સંબંધિત પ્રતિબંધોને અસહ્ય જણાવી છૂટાછેડા માટેની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જે મંજૂર કરવામાં આવી હતી. બાદમાં આ મામલે દંપતી ગુજરાત હાઇકોર્ટેમાં પહોંચ્યું હતું, જ્યાં છૂટાછેડાને પડકારતી પત્નીની અપીલ કોર્ટે ફગાવી દીધી છે.
જમવાને લઈ દંપતી વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યાં
આ કેસની વિગત એવી છે કે, મહિલા સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી હતી અને તેથી તે કડકપણે ડુંગળી અને લસણ ખાવાથી દૂર રહેતી હતી, પરંતુ પતિ અને સાસુ ઉપર એવો કોઈ પ્રતિબંધ નહોતો. દંપતીના લગ્ન 2002માં થયા હતા, પરંતુ રસોઈની પસંદગી તેમના દાંપત્ય જીવન માટે આપત્તિરૂપ બની હતી. ધીમે-ધીમે ઘરેલું ઝઘડાઓ વધતા ગયા અને સંબંધોમાં ખટાશ આવી ચૂકી હતી. પત્ની નિયમિત રીતે પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતી અને સંપ્રદાયના નિયમોનું પાલન કરતી હતી. પતિ અને સાસુ પોતાની આહારની પદ્ધતિ બદલવા ઇચ્છતા નહોતા, પરિણામે ઘરમાં અલગ-અલગ રસોઈ કરવાની વ્યવસ્થા થઈ.
પત્ની ઘર છોડીને જતી રહેતા પતિએ છૂટાછેડાની અરજી કરી
આ રીતે વિભાજિત રસોડું અંતે દાંપત્ય સંબંધનો અંત લાવનાર બની રહ્યું હતું. પત્ની બાળક સાથે પતિનું ઘર છોડીને જતી રહી હતી. 2013માં પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમા છૂટાછેડા માટે અરજી કરી હતી. તેનો દાવો હતો કે, પત્નીએ તેની સામે ક્રૂરતા આચરીને તેનો પરિત્યાગ કર્યો છે. 8 મે, 2024ના રોજ ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા હતા અને પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
પતિએ ભરણપોષણના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો
બાદમાં બન્ને પક્ષો હાઈકોર્ટ પહોંચ્યા હતા, જ્યાં પત્નીએ છૂટાછેડા સામે અપીલ કરી અને ભરણપોષણની રકમ અમલમાં લાવવાની માગ કરી હતી. જ્યારે પતિએ ભરણપોષણના આદેશને પડકાર્યો હતો. પત્નીના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, પતિએ ફેમિલી કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે પત્નીના ધાર્મિક વિશ્વાસોને કારણે ડુંગળી અને લસણ ટાળવાની તેની આદત ઝઘડાનું કારણ બનતી હતી અને તે તેના વલણમાં અડગ રહી હતી. ફેમિલી કોર્ટે પતિના દાવાને સ્વીકાર્યો હતો.



