જેલવાસ બાદ પોતાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી બે દિવસ બાદ મીડિયા સાથે વાત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમરેલી જિલ્લામાં લેટર કાંડ મામલે પાટીદાર યુવતી પાયલ ગોટીએ સનસનીખેજ આરોપ લગાવ્યાં છે. જેલવાસ બાદ પોતાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી બે દિવસ બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેણે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પોતાને ન્યાય અપાવે તેવી માંગ કરી હતી અને પોતે કોઈ ગુનો ન કર્યો હોવાનું જણાવ્યું હતું.
પાયલે આ સાથે આક્ષેપ કર્યા કે, પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. જે તેમણે વકીલને જણાવ્યું હતું. પાયલની પોલીસે રાત્રે 12 વાગ્યાની આસપાસ અટકાયત કરી હતી અને બાદમાં તેનું સરઘસ કાઢ્યું હતુ. ગુજરાત અને દેશની તમામ દીકરીઓ સાથે આવું ભવિષ્યમાં ન બને તેવી માંગ કરી હતી. આ અંગે તેણે ધારાસભ્ય કૌશિક વેકરિયા તથા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પોતાની સાથે થયેલા વ્યવહારની સામે ન્યાય મળે તેવી માંગ કરી હતી.
પત્રમાં તેણ લખ્યું કે, મને રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવી છે. ગુજરાતના રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાતે મારી ધરપકડ કરવામાં આવી. દંડા મારીને, ડરાવીને નિવેદન લેવામાં આવ્યાં હતા. કોર્ટને પણ ગેરમાર્ગે દોરી રીમાન્ડ લઈને પાટે સુવડાવી પગે બેરહેમીથી પટ્ટા મારવામાં આવ્યાં હતા. કોઈ વાંક વિના મને જેલમાં ધકેલી દેવાઇ હતી. એક કુંવારી ક્ધયાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી આ કમનસીબ ઘટનાથી મારી અને સમગ્ર ગુજરાતની ગરીમાને ઠેસ પહોંચી છે. હું હવે ન્યાયની રાહ જોઇ રહી છું.
અમરેલીની પાટીદાર દીકરીએ પરેશ ધાનાણી સમક્ષ કર્યા ચોંકાવનારા ખુલાસા
અમરેલીના લેટરકાંડમાં પીડિત દીકરીએ જેલમાંથી છુટ્યા બાદ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પરેશ ધાનાણીએ પાટીદાર દીકરી પાયલના ઘરે જઈને તેમની આપવીતી સાંભળીને અન્યાયની લડાઈમાં તેઓ તેની સાથે છે તેવો ભરોસો આપ્યો હતો. પરેશ ધાનાણીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ મુલાકાતનો એક વિડીયો મૂક્યો છે, જે હાલમાં વાયરલ થયો છે. તેમાં પીડિત દીકરી પાયલ એવું કહી રહી છે કે પોલીસે મારા ઘરે આવી રાત્રે 12 વાગ્યા આસપાસ મને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. આ યુવતીએ પોલીસ સામે એવા આક્ષેપો કર્યા હતા કે મને ડરાવવા અને ધમકાવવામા આવી હતી પણ હું અડગ હતી. પોલીસે મને પગમાં બેલ્ટથી માર માર્યો હતો. કોઈ મોટી ગુનેગાર હોય તેમ ખુલ્લા મોઢે મારો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. બીજી વાર પણ રિકંસ્ટ્રક્શનના નામે પણ મારું સરઘસ કાઢ્યું હતું.
પાયલ ગોટીએ આપ્યા 18 સવાલના જવાબ
- Advertisement -
લેટરકાંડમાં જેલમાંથી બહાર આવેલી પાયલ ગોટીએ પત્રકારોને આ લેટરકાંડના સમગ્ર ઘટનાક્રમ અંગે અને હવે તે આગળ શું ઈચ્છે તે વિશે વાત કરી હતી.
સવાલ: જેલમાંથી છૂટ્યા બાદ તમારી પ્રથમ પ્રતિક્રિયા શું છે?
પાયલ ગોટી: પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે, આ ન્યાયની લડત છે આના માટે હું અઢારે અઢાર વરણનો આભાર માનું છું.
સવાલ: ખરેખર આ લેટર ખોટો છે કે સાચો છે, કોણે લખ્યો હતો, કોણ આપી ગયું હતું તે અંગે વાત કરો?
પાયલ ગોટી: એફએસએલમાં તપાસ કરાવો, જે છે તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
સવાલ: તમને શંકા લાગે છે?
પાયલ ગોટી: એફએસએલમાં તપાસ કરાવો એટલે ખ્યાલ આવી જશે. શું સાચું છે.
સવાલ: આ લેટર તમને ટાઈપ કરવા કોણે આપ્યું હતો?
પાયલ ગોટી: એફએસએલમાં તપાસ કરાવો એટલે ખ્યાલ આવી જશે.
સવાલ: તમારા વકીલ ગુમ થઈ ગયા હતા તેનું શું કારણ?
પાયલ ગોટી: મારા વકીલ ક્યાંય ગુમ થયા ન હતા, તે ત્યાંજ હતા.
સવાલ: રાત્રે 12 વાગ્યે તમારી ધરપકડ કરાઈ તે અંગે વાત કરો.
પાયલ ગોટી: શુક્રવારે હું ઘરે આવી, ઘરનું બધુ કામ પતાવી અમે સુઈ ગયા. પછી પોલીસે ડેલો ખખડાવ્યા. મારા પપ્પા ઉઠીને બહાર આવ્યા અને ડેલો ખોલ્યો. તો ત્રણ પોલીસમેન અને 2 મહિલા પોલીસ આવી હતી. પુછ્યું કે પાયલબેન ક્યાં છે. મારા પપ્પાએ મને જગાડી તો પોલીસ કહે ચાલો તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે. સવારે છોડી દઈશું.
સવાલ: જેલ મુક્ત થયા ત્યારે કેટલાક પાટીદાર આગેવાનો અને અલગ અલગ રાજકીય નેતાઓ તમારી સાથે હતા, પણ તમે કેમ જેનીબેન સાથે જ ગયા? જેનીબેન તમારા સહારે કોઈ રાજનીતિ કરે છે એવું તમને લાગે છે?
પાયલ ગોટી: ના.
સવાલ: જેનીબેનને તમે કેટલા સમયથી ઓળખો છો?
પાયલ ગોટી: જેનીબેનને હું ક્યારેય ઓળખતી નહતી.
સવાલ: જેનીબેનની ગાડીમાં તમારું સરઘસ નિકળ્યું?
પાયલ ગોટી: જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા.
સવાલ: મદદ કરવા માટે તો ઘણા પાટીદાર નેતા હતા જેનીબેન જ કેમ?
પાયલ ગોટી: મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મને લઈ ગયા પછી ત્યાં મારું શું થાય છે, એ લોકોને કોઈ ખ્યાલ ન હતો, તોઓ બોલી શકે તેમ ન હતા તેથી મારા માપા-પિતાને સાચવવા માટે જેનીબેન આવ્યા હતા.
સવાલ: ગઈકાલે મોડી રાતે તમને ઘણા કોંગ્રેસના નેતા આવ્યા હતા કહેશો કોણ કોણ આવ્યા હતા?
પાયલ ગોટી: મને મળવા ઘણા લોકો આવતા હોય છે, મને નામ યાદ નથી. રાજકારણમાં મને કઈ જાણકારી નથી.
સવાલ: જેલમાંથી બહાર આવ્યા બાદ જેનીબેને તમારો કબજો લઈ લીધો હોય તેવું લાગતું હતું?
પાયલ ગોટી: ના એવું નથી. તે મારા માતા-પિતાને સાચવવા માટે અને આશ્ર્વાસન આપવા માટે આવ્યા હતા. તેમને હીંમત આપવા આવ્યા હતા.
સવાલ: રાજકારણમાં આવવાની તમારી ઈચ્છા છે?
પાયલ ગોટી: સહેજ પણ નહીં.
સવાલ: તમે હવે આગળ શું કરવા માગો છો?
પાયલ ગોટી: હવે મને મારા આગળ ભવિષ્ય માટે ન્યાય મળે એવી મને મુખ્યમંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાને અપીલ કે મને ન્યાય અપાવે.
સવાલ: તમારે કેવા પ્રકારનો ન્યાય જોઈએ છે?
પાયલ ગોટી: મારી આબરૂનો વરઘોડો કાઢ્યો છે, મારી સાથે જેણે ખરાબ વર્તન કર્યું છે, મને ટોર્ચર કરી છે, મને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તેનો ન્યાય મળે.
સવાલ: તમે માર અંગે ફરીયાદ કરી છે?
પાયલ ગોટી: મે મારા વકિલને વાત કરી છે.
સવાલ: કૌશિકભાઈ પટેલ પાસે શું અપેક્ષા રાખો છો?
પાયલ ગોટી: મારી સાથે થયું છે તેવું સમાજની કોઈ દીકરી સાથે ન થાય.
સવાલ: કૌશિક પટેલ તમને મળ્યા હતા કે વાત કરી હતી?
પાયલ ગોટી: ના, કૌશિકભાઈ મને મળ્યા પણ નથી કે વાત પણ કરી નથી.