ચીતલથી અમરેલી તરફ આવતી ફોર વ્હીલર કારમાં બીયરના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
બે ફોર વ્હીલર કાર, બીયરનો જથ્થો સહીત કુલ રૂ.12,53,060નો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી એલસીબી પીઆઇ વિજય કોલાદરાની ટીમને સફળતા મળી છે. અમરેલી એલસીબી ટીમે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ અમરેલી એલસીબી ટીમ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે એક ક્રેટા ફોર વ્હીલર કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો બિયરનો જથ્થો ભરી ચીતલ ગામ તરફ થી અમરેલી બાજુ આવે છે. અને આ કાર નાના માચિયાળા ગામ પાસે આવેલ બાયપાસ રોડ ઉપરથી પસાર થનાર છે. અને તે ક્રેટા કાર આગળ એક સ્વીફટ કાર પાયલોટીંગ કરી રહેલ છે. જે બાતમી આધારે એલસીબી ટીમે વોચમાં રહી ત્રણ ઇસમોને બન્ને કાર તથા બિયરના જથ્થા સાથે પકડી પાડી અને પકડાયેલ આરોપી તથા બિયરનો જથ્થો તથા વાહન સહિતનો મુદ્દામાલ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. દારૂની હેરાફેરી થાય તે પહેલાં જ એલસીબી ટીમ ત્રાટકી હતી.
- Advertisement -
જેમાં કરણભાઇ વલકુભાઇ ખાચર, મયુરભાઇ જગુભાઇ પટગીર , પ્રદીપભાઇ રવુભાઈ બોરીચા એમ ત્રણ આરોપીને એલસીબીએ ઝડપી પાડવા હતાં. અન્ય પકડવાના બાકી આરોપી લાલભાઈ બાબભાઈ ખાચર, ધર્મરાજ ઉર્ફે ધમો હરેશભાઇ બાબરીયા બન્ને ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ એલસીબીએ ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના બિયરના 500 એમ.એલ.ના ટીન નંગ -648, પેટી નંગ – 27 જેની કુલ કિ.રૂ.67,560 તથા રોકડા રૂ.73,500, એક હુંન્ડઇ કંપનીની ક્રેટા કાર કિ.રૂ.7,00,000 તથા એક મારૂતિ કંપનીની સ્વીફટ કાર 3,50,000, મોબાઈલ ફોન નંગ -4 જેની કિંમત કિ.રૂ.62,000 મળી કુલ કિ.રૂ.12,53,060 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરી અમરેલી એસપી સંજય ખરાતની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ પીઆઇ વી.એમ.કોલાદરા, પીએસઆઇ કે.ડી.હડીયા, એમ.ડી.ગોહિલ તથા આર.એચ.રતન, કનાભાઈ સાંખટ, રાહુલભાઈ ચાવડા, મહેશભાઈ મુંધવા, ગોકુળભાઈ કળોતરા, તુષારભાઈ પાંચાણી, હરેશભાઈ કુંવારદાસ, શિવરાજભાઈ વાળા, રમેશભાઈ સીસારા દ્વારા કરવામાં આવેલ છે..



