હિરાસર એરપોર્ટ પર ટુંકા રોકાણ દરમ્યાન ઘટના અને તપાસ અંગે માહિતી લીધાના નિર્દેશ: ગંભીર બનાવમાં કડક અને તટસ્થ તપાસમાં આગળ વધવાનું માર્ગદર્શન : સૂચનાઓ પણ આપી
પૂરા ગુજરાતને હચમચાવી દેનારા ગુજરાતના ગેમ ઝોન અગ્નિકાંડના પડઘા હજુ લાંબો સમય સુધી પડે તેમ છે. આ ઘટનાની સરકાર કક્ષાએ જ તપાસ ચાલી રહી છે ત્યારે ગઇકાલે સોમનાથ આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહે એરપોર્ટ પર ટુંકા રોકાણ દરમ્યાન આ બનાવ અંગે વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે. આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ પાસેથી તેઓએ ઘટના અંગે માહિતી લીધી છે.
આ બનાવ બન્યો તેના બીજા દિવસથી જ સરકાર સીધી એકશનમાં આવી ગઇ હતી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાજકોટ દોડી આવ્યા હતા. તાત્કાલીક સીટની રચના કરવામાં આવી છે. પ્રથમ રીપોર્ટ સોંપવા સહિતના સમયગાળા દરમ્યાન અધિકારીઓના સસ્પેન્સન, આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી, લાગુ અધિકારીઓને ધરપકડ સહિતના કડક પગલા લેવામાં આવી રહ્યા છે.
- Advertisement -
આ તપાસમાં રાજય એન્ટી કરપ્શન બ્યુરોએ પણ ઝુકાવ્યું હોય, અધિકારીઓની બેનામી સંપતિ અને આવક અંગે પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ તમામ સ્ટેટસ રીપોર્ટ અધિકારીઓએ કેન્દ્રીય મંત્રીને આપ્યાનું સમજવામાં આવે છે. હજુ આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રહે તેમ છે. રાજય અને કેન્દ્ર સરકાર પણ આ ઘટનાની તપાસમાં કોઇ કચાસ છોડવા માંગતી ન હોય તેવી છાપ છે.
આ ઘટનાએ સરકારી તંત્ર અને શાસક પક્ષ સામે પણ રોષનો માહોલ ઉભો કરી દીધો છે. હવે આ પ્રકરણમાં કયા ઉચ્ચ સત્તાધીશો સામે વધુ કડક પગલા આવશે તેની પણ ઇંતેજારી છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોન આગ દૂર્ઘટનાના તાગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજકોટ ખાતે એરપોર્ટ પર ટુંકા રોકાણ દરમ્યાન મેળવ્યા હતાં. હીરાસર એરપોર્ટ ખાતે 40 મિનિટનું રોકાણ કરીને અમિત શાહે સમગ્ર દૂર્ઘટનાની વિગતો મેળવી હતી. જેમણે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા સાથે તેમજ કલેકટર પ્રભવ જોશી અને મ્યુનિસિપલ કમિશનર ડી. પી. દેસાઈ વાતચીત કરી હતી.