કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ બે રેલીઓને સંબોધિત કરશે. આ બંને રેલીઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આ દરમિયાન તેઓ પહાડી લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જાહેરાત કરી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે અમિત શાહની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહ બે રેલીઓને સંબોધિત કરવાના છે. તેઓ જમ્મુના રાજૌરી જિલ્લામાં એક રેલીને મંગળવારે અને બુધવારે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બીજી રેલીને સંબોધિત કરશે. શાહનો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવાનો પણ કાર્યક્રમ છે, જ્યાં તેઓ નવરાત્રીના છેલ્લા દિવસે મંગળવારે પૂજા-અર્ચના કરશે. જે બાદ તેઓ રાજૌરીમાં આયોજિત રેલીને સંબોધિત કરવા માટે રવાના થશે.
- Advertisement -
કેટલીક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે શાહ
અધિકારીઓએ જણાવ્યું કે, અમિત શાહ ગુર્જર અને બકરવાલ સહિત અનેક પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી શકે છે. આ સિવાય તેઓ અહીં પહોંચ્યા બાદ તરત જ ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરશે. તેઓ રાજૌરીથી પરત ફર્યા બાદ જમ્મુ ક્ષેત્રમાં કેટલીક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શાહ મંગળવારે સાંજે કાશ્મીર જવા રવાના થશે, જ્યાં તેઓ બુધવારે બારામુલ્લામાં એક રેલીને સંબોધિત કરશે. અમિત શાહની આ બંને રેલી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આ દરમિયાન તેઓ પહાડી લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જાહેરાત કરી શકે છે.
મતદાર યાદી સુધારવાની પ્રક્રિયા ચાલુ
અમિત શાહની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે હાલમાં જમ્મુ-કાશ્મીરની મતદાર યાદીને સુધારવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 20-25 લાખ નવા મતદારો ઉમેરાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા 25 નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે, ત્યારબાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સંભાવના છે.
જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા
અમિત શાહની આ મુલાકાત રાજ્યની સુરક્ષાની સ્થિતિના સંદર્ભમાં પણ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. તેઓ 5 ઓક્ટોબરે શ્રીનગરના રાજભવનમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે બેઠક કરશે અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ઉપરાંત સેના, અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થશે. તેમની મુલાકાત પહેલા રાજ્યમાં એક પછી એક હુમલાને જોતા સુરક્ષા સ્થિતિની સમીક્ષા વધુ મહત્વની બની ગઈ છે. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે પણ એવો ખુલાસો કર્યો હતો કે ઉધમપુરમાં થયેલા બ્લાસ્ટનો હેતુ કોઈ હાઈ પ્રોફાઈલ નેતાને નિશાન બનાવવાનો હતો.
- Advertisement -
અમિત શાહની મુલાકાત પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા
ગત અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં બે મોટા આતંકી હુમલા થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને અનેક સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને હવાઈ દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ-પૂંછ અને શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર સર્ચ સઘન બનાવવામાં આવ્યું છે, જ્યારે વધારાની પોલીસ અને અર્ધલશ્કરી દળોને પરિસ્થિતિ પર નજર રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, શ્રીનગર-બારામુલ્લા-કુપવાડા હાઈવે સહિત ઘણી જગ્યાએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરાઈઃ દિલબાગ સિંહ
જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે જણાવ્યું કે, આતંકવાદીઓ અને તેમના આકાઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ઉચ્ચ સ્તરીય મુલાકાતને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
દિલબાગ સિંહે કહ્યું, “લોકોને સકારાત્મક સંદેશ આપતી કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિની મુલાકાત અથવા આ પ્રકારની અન્ય ગતિવિધિઓમાં વિક્ષેપ પાડવા માટે આતંકવાદીઓ અને સરહદ પાર બેઠેલા તેમના આકા એ બતાવવાનો પ્રયાસ કરે છે કે (સુરક્ષાની દ્રષ્ટિએ) બધું બરાબર નથી. અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ અને રિયાસી જિલ્લા સ્થિત કટરામાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.