વિસાવદરમાં અનાજ વિતરણના મુદ્દે રાજકીય ઉથલપાથલ
મામલતદારની તપાસમાં 48 કટ્ટા અનાજ મળતાં સવાલો ઉભા થયા
તપાસમાં નવો વળાંક આવતા રાજકારણ ગરમાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
વિસાવદર તાલુકામાં અનાજ વિતરણના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલા આક્ષેપો બાદ થયેલી તપાસમાં ’આપ’ના જ એક કાર્યકરના ઘરેથી અનાજનો જથ્થો મળી આવતા નવો વળાંક આવ્યો છે અને રાજકારણ ગરમાયું છે.
તા. 01/08/2025 ના રોજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયા અને ’આપ’ના સમર્થકોએ માંગનાથ પીપળી અને મોટી પિંડાખાઈ ગામના 40-50 લોકોને અનાજ ન મળ્યું હોવાનો આક્ષેપ કરી પોલીસ સ્ટેશનમાં ધરણાં કર્યા હતા. તેમણે સસ્તા અનાજની દુકાનો ભાજપના લોકો ચલાવતા હોવાનું જણાવી ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો અને ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. પોલીસ અને મામલતદાર પર પણ આક્ષેપો થયા હતા. બાદમાં તપાસની ખાતરી મળતા ધરણાં પૂર્ણ થયા હતા. આક્ષેપો બાદ મામલતદારની ટીમ દ્વારા ’આપ’ના કાર્યકરોને સાથે રાખીને દુકાનોની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જૂનાગઢ જિલ્લા ’આપ’ના પ્રમુખ હરેશભાઈ સાવલિયાએ ફેસબુક પર લાઈવ પણ કર્યું હતું. તા. 05/08/2025 ના રોજ મામલતદારની ટીમ જેતલવડ ગામની અનાજની દુકાન પર તપાસ માટે પહોંચી ત્યારે મોટો ખુલાસો થયો. દુકાનનું લાઇસન્સ ધરાવતા વ્યક્તિએ અનાજનો જથ્થો ’આપ’ના વિસાવદર તાલુકા સહ-મંત્રી રજાકભાઈ જુસફભાઈ પરમારના ઘરે રાખેલો હતો. ત્યાંથી 48 જેટલા અનાજના કટ્ટાનો સ્ટોક મળી આવ્યો હતો. જે લોકોએ અનાજ વિતરણમાં ગેરરીતિના આક્ષેપો કર્યા હતા, તેમના જ કાર્યકરના ઘરેથી અનાજનો જથ્થો મળતા અનેક સવાલો ઉભા થયા છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું આ અનાજ જાણીજોઈને ’આપ’ના કાર્યકરો દ્વારા જ ત્યાં રાખવામાં આવ્યું હતું જેથી સરકારની છબી ખરાબ કરી શકાય? લોકો દ્વારા આ સમગ્ર પ્રકરણની યોગ્ય અને ન્યાયિક તપાસની માંગ ઉઠી છે.
હાલમાં ગોપાલ ઈટાલિયા દ્વારા જે લોકો અનાજથી વંચિત રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તેવા લોકો હજુ સુધી સામે આવ્યા નથી. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આ સમગ્ર પ્રકરણ સરકારને બદનામ કરવાના ઈરાદાથી ચગાવવામાં આવ્યું હોઈ શકે છે. લોકોમાંથી આ મામલે યોગ્ય તપાસ કરી સત્ય બહાર લાવવાની માંગણી ઉઠી છે.