પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે અત્યંત નિર્ણાયક અને ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષની તીવ્રતા એટલી વધી ગઈ છે કે હવે સીધા તેલ અને ગેસના ભંડારો પર હુમલા શરૂ થયા છે. બુધવારે ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ ‘સાઉથ પાર્સ’ પર થયેલા હુમલા બાદ એક નવો વિવાદ સર્જાયો છે.
ઈઝરાયલે દાવો કર્યો છે કે આ હુમલો તેમણે અમેરિકા સાથે મળીને કર્યો છે, પરંતુ બીજી તરફ અમેરિકાએ આ હુમલામાં પોતાની કોઈ પણ સંડોવણી હોવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. અમેરિકન અધિકારીઓના મતે આ હુમલો માત્ર ઈઝરાયલે જ કર્યો છે. આ પરસ્પર વિરોધી નિવેદનો અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે પડતી તિરાડ તરફ ઈશારો કરી રહ્યા છે.
- Advertisement -
ઈરાન સામે ટ્રમ્પની ગણતરીઓ ઊંધી પડી
યુદ્ધના મેદાનમાં અમેરિકા ખરાબ રીતે ફસાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા હતી કે ઈરાન ગણતરીના દિવસોમાં શરણાગતિ સ્વીકારી લેશે અને સત્તા પરિવર્તન થશે, પરંતુ ઈરાને મક્કમતાથી વળતો પ્રહાર કરીને અમેરિકાની ગણતરીઓ ઊંધી પાડી દીધી છે. ઈરાને અમેરિકન ડિફેન્સ સિસ્ટમને મોટું નુકસાન પહોંચાડ્યું છે અને બદલામાં કતાર તથા સાઉદી અરેબિયાની ગેસ અને તેલ ફેસિલિટીઝ પર પણ ડ્રોન હુમલા કર્યા છે. આ સ્થિતિમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ મોંઘા અને જોખમી યુદ્ધમાંથી બહાર નીકળવા માટે કોઈ બહાનું શોધી રહ્યા હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટ્રમ્પ હવે મૂંઝવણમાં છે કે યુદ્ધ ચાલુ રાખવું કે વિજયની જાહેરાત કરીને પાછા હટી જવું.
સત્તા પરિવર્તનના અમેરિકન મનસૂબા પર ફેરવાયું પાણી
- Advertisement -
વૈશ્વિક સ્તરે પણ અમેરિકા હવે અલગ-થલગ પડી રહ્યું છે. નાટો દેશો અને યુરોપે આ જંગને માત્ર ‘અમેરિકાનું યુદ્ધ’ ગણાવીને સાથ આપવાનો ઈન્કાર કરી દીધો છે. બીજી તરફ, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાને કારણે અને ગેસ ફિલ્ડ્સ પરના હુમલાને લીધે સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઘેરું બન્યું છે, જેનાથી અખાતી દેશોમાં પણ ભારે ચિંતા ફેલાઈ છે. ઈરાન ન તો નમતું જોખી રહ્યું છે કે ન તો ત્યાં સત્તા પરિવર્તન થઈ રહ્યું છે, ઉલટું અમેરિકા માટે આ યુદ્ધ હવે ગળાનું હાડકું બની ગયું છે.




