રવિવારે 79 વર્ષીય પિતા નાસ્તો કરતા હતા ત્યારે જ હાર્ટએટેક આવતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા
છેલ્લા ચાર દિવસથી ચૂંટણીની મહત્ત્વની જવાબદારીનું વહન કરવાની સાથે સાથે પિતાની પણ સતત પડખે રહ્યા : તબિયત સુધારા પર
ચૂંટણી જેટલી રાજકીય પક્ષો માટે મહત્ત્વની હોય છે એટલી જ તે સાંગોપાંગ રીતે સંપન્ન થાય તે માટે સરકારી અધિકારીઓ માટે મહત્ત્વની હોય છે. આ માટે જેવી ચૂંટણી જાહેર થાય કે અધિકારીઓએ રાત-દિવસ એક કરવા પડતા હોય છે. આ સમયે જ જો સરકારી અધિકારી પોતે અથવા તો ઘરમાં કોઈ બિમાર પડે તો તેમની કસોટી બમણી થઈ જતી હોય છે.
આવી જ સ્થિતિ રાજકોટના જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુની થવા પામી છે. જિલ્લા કલેક્ટર-જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તેમના ઉપર જવાબદારીઓ અનહદ હોવાની વચ્ચે જ તેમના પિતાને હાર્ટએટેક આવી જતાં પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે તેમણે પરિવારની સાથે સાથે પોતાની ફરજ કે ચૂંટણી વ્યવસ્થામાં ક્યાંય પણ ઉણપ આવવા ન દીધી નહોતી જેની અત્યારે સરાહના થઈ રહી છે
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ગત રવિવારે વહેલી સવારે જિલ્લા કલેક્ટરના 79 વર્ષીય પિતા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટએટેક આવી જતાં વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ પછી અહીં તેમની સર્જરી કરવામાં આવી હોવાનું અને ગઈકાલે સવાર સુધી તેઓ વેન્ટીલેટર ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે.
એકંદરે છેલ્લા ચાર દિવસથી જિલ્લા કલેક્ટર ચૂંટણીમાં ફરજ નિભાવવાની સાથે સાથે પિતાની સારસંભાળ પણ રાખી રહ્યા હતા. તેઓ દિવસ દરમિયાન ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત રહેતા હતા તો રાત્રી દરમિયાન પિતાની પડખે રહ્યા હતા. ચૂંટણીની તૈયારીમાં નાની અમથી પણ ચૂક ન રહી જાય તે માટે તેમણે પૂરી દરકાર લીધી હતી અને પિતાની સારવારનું પણ બરાબર ધ્યાન રાખ્યું હતું.
જિલ્લા કલેક્ટર ઉપર જિલ્લા ચૂંટણી અધિકારીની જવાબદારી પણ રહેતી હોવાથી તેઓ આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણીની તૈયારી અંગે વ્યક્તિગત ધ્યાન આપી રહ્યા હતા. આ ઉપરાંત તેમણે ચૂંટણી ફરજમાં રહેલી વહીવટી તંત્રની ટીમોનું બખૂબી રીતે નેતૃત્વ પણ કર્યું હતું. રાહતની વાત એ છે કે આજે પિતાની તબિયતમાં સુધારો જણાતાં કલેક્ટર અને તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
બીજી બાજુ આજે વહેલી સવારથી જ જિલ્લા કલેક્ટર મતદાનની વ્યવસ્થામાં કાર્યરત થઈ ગયા હતા. સૌથી પહેલાં તેમણે પરિવાર સાથે પોતાનો કિંમતની મત આપીને મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. આ પછી તેઓ સીધા ગોંડલ જવા નીકળી ગયા હતા.