યાર્ડમાં 600થી વધારે વાહનોમાં મગફળીની 45000 ગુણી અને કપાસની 11000 ભારીની આવક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડી રહેલા પાછોતરા વરસાદ વચ્ચે રાજકોટ યાર્ડમાં વિવિધ જણસીઓની ચિક્કાર આવક થઈ રહી છે. સતત આવક વધતા યાર્ડમાં નવા બનાવવામાં આવેલા ડોમમાં તમામ જણસીની ઉતરાઈ કરતા ડોમમાં જગ્યા ભરાઈ જતાં હાલ જણસીની અવક બંધ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં વિવિધ જણસી આવી રહી છે. આજે યાર્ડમાં 600થી વધારે વાહનોમાં મગફળીની 45000 ગુણી અને કપાસની 11000 ભારી આવક થઈ હતી. છેલ્લા ઘણા સમયથી કપાસ અને મગફળીની આવક સતત વધી રહી છે. આ તમામ જણસીની ઉતરાઈ નવા બનાવવામાં આવેલા ડોમમાં કરવામાં આવી હતી. વધુમાં ચેરમેને જણાવ્યું હતું કે, રાજકોટ યાર્ડમાં કપાસની ગુણવત્તા સારી મળી રહી છે.
- Advertisement -
અને ખેડુતોને પોતાના મહેનતનો યોગ્ય ભાવ પણ મળી રહ્યો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી આવકમાં વધારો થયો છે. આવકમાં સતત વધારો થતાં ચોમાસા દરમિયાન પાકને નુક્શાન ન થાય તે માટે યાર્ડમાં કરોડોના ખર્ચે ડોમની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ ચોમાસાની સિઝન શરૂ છે અને વરસાદ પડી રહ્યો હોવા છતાં પણ ખેડુતો પોતાનો માલ યાર્ડ સુધી લઈ આવી રહ્યા છે અને યાર્ડમાં ડોમની સુવિધા હોવાથી તમામ જણસી નુક્શાન વગર સચવાઈ રહી છે. દિવાળીના તહેવાર પર નવી જણસીની આવકામાં વધારો થતો હોય છે. હાલ રાજકોટ યાર્ડમાં વિવિધ જણસીની ચિક્કાર આવક થઈ રહી છે. અને કપાસ, મગફળી, રાયડો, ઘંઉ, જીરૂ સહિતની આવક થતાં યાર્ડ જણસીઓથી ઉભરાય રહ્યું હોય યાર્ડમાં જણસીની સલામતી માટે આવક બંધ કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.