એકબાજુ પ્રદૂષણથી રાજકોટની હાલત દિલ્હી જેવી, બીજી બાજુ હયાત વૃક્ષોની નિર્દયતાથી કતલ; કાગળ પરના વિકાસ સામે પર્યાવરણપ્રેમીઓમાં આક્રોશ
રાજકોટ શહેરની હાલત હવે દેશની રાજધાની દિલ્હી જેવી બની રહી છે, જ્યાં ઝેરી હવા અને પ્રદૂષણનો સ્તર વધી રહ્યો છે. ત્યારે એકબાજુ તંત્ર માત્ર વૃક્ષોને બચાવવાની વાતો અને ‘વન મહોત્સવ’ની ઉજવણીના નાટક કરી રહ્યું છે, પણ જમીની હકીકત તદ્દન વિપરીત છે. શહેરના મુખ્ય માર્ગ 150 ફૂટ રિંગ રોડ પર ખુલ્લેઆમ એક ટ્રેક્ટર વૃક્ષોના કાપેલા થડ અને ડાળીઓ ભરીને લઈ જઈ રહ્યું હતું. આ દ્રશ્ય સ્પષ્ટ દર્શાવે છે કે, સરકાર વૃક્ષારોપણના મોટા મોટા આંકડાઓ જાહેર કરે છે, પરંતુ નવા વૃક્ષો ક્યાંય ઉછરતા નથી અને હયાત વૃક્ષોને નિર્દયતાથી હિત ધરાવતા તત્વો દ્વારા કાપી નાખવામાં આવી રહ્યા છે. પર્યાવરણપ્રેમીઓનો આક્ષેપ છે કે, શહેરના વધતા જતા પ્રદૂષણ માટે જવાબદાર વહીવટી તંત્ર આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરી રહ્યું છે. જો તંત્ર કડક કાર્યવાહી ન કરે તો રાજકોટની હવા વધુ ઝેરી બનશે. પર્યાવરણપ્રેમીઓએ તાત્કાલિક આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા અને વૃક્ષોના નિકંદન રોકવા માટે કાયમી પેટ્રોલિંગ શરૂ કરવાની માગ કરી છે.



