પન્નુની હત્યાના કથિત નિષ્ફળ કાવતરા અંગે બંને દેશોના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત આવા ઇનપુટ્સને ગંભીરતાથી લે છે કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષા હિતોને પણ અસર કરે છે.
ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યાના ષડયંત્રને લઈને ચાલી રહેલી તપાસમાં અમેરિકાએ ભારત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમેરિકાએ મંગળવારે (22 ઓક્ટોબર 2024) કહ્યું કે ગયા અઠવાડિયે ભારતીય તપાસ સમિતિ સાથે અમારી મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ હતી. આ દરમિયાન, પન્નુ કેસમાં પોતપોતાની તપાસને આગળ વધારવા માટે સરકારો વચ્ચે માહિતીની આપલે પણ કરવામાં આવી હતી. યુએસ પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે મંગળવારે (સ્થાનિક સમય) એક મીડિયા બ્રીફિંગને સંબોધતા કહ્યું કે, અમેરિકા સમજે છે કે ભારતીય તપાસ સમિતિ તેની તપાસ ચાલુ રાખશે અને બંને દેશોના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતના આધારે આગળ પણ નક્કર અને વધુ સારા પગલાં જોવાની આશા છે.
- Advertisement -
તપાસ પછી જવાબની આશા રાખીએ છીએ: અમેરિકા
પન્નુની હત્યાના કથિત નિષ્ફળ કાવતરા અંગે અમેરિકી સરકારના ભારતને સંદેશા અંગે પૂછવામાં આવતા પટેલે કહ્યું કે, “તેથી એક પગલું પાછું હટીને અમે ગયા અઠવાડિયે ભારતની તપાસ સમિતિ સાથે મહત્ત્વપૂર્ણ વાતચીત કરી હતી અને બંને સરકારોએ પોતપોતાની તપાસને આગળ વધરવા માટે માહિતીનું વધુ આદાન-પ્રદાન કર્યું હતું. અમે એ તપાસના પરિણામોના આધાર પર જવાબની અપેક્ષા રાખીએ છીએ અને જોવા માંગીએ છીએ, અને ચોક્કસપણે સંયુક્ત રાજ્ય અમેરિકા ત્યાં સુધી સંપૂર્ણપણે સંતુષ્ટ નહીં થાય જ્યાં સુધી તે તપાસથી અર્થપૂર્ણ જવાબદેહી ન નીકળે. આ સિવાય હું તેના વિશે વધુ વિગતવાર વાત કરવાનો નથી કારણ કે તે એક એવો મુદ્દો છે જે સક્રિય અને બંને દેશોમાં તેની તપાસ ચાલી રહી છે.”
તાજેતરમાં જ ભારતીય તપાસ સમિતિ ગઈ હતી અમેરિકા
- Advertisement -
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ભારતીય તપાસ સમિતિએ આ કેસમાં એક પૂર્વ ભારતીય સરકારી અધિકારીની સંડોવણીની તપાસ કરવા માટે યુએસની મુલાકાત લીધી છે. પન્નુ ભારત-ઘોષિત આતંકવાદી છે, જેની પાસે યુએસ અને કેનેડાની નાગરિકતા છે. આ પહેલા નવેમ્બરની, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં કથિત સંડોવણી બદલ એક ભારતીય નાગરિક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ભારતે નવેમ્બર 2023માં અમેરિકા સરકાર તરફથી હાઇલાઇટ કરાયેલી સુરક્ષા ચિંતાઓને દૂર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું- અમે આવી બાબતોને ગંભીરતાથી લઈએ છીએ
વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત આવા ઇનપુટ્સને ગંભીરતાથી લે છે કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષા હિતોને પણ અસર કરે છે અને સંબંધિત વિભાગો પહેલાથી જ આ મુદ્દાની તપાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે. જૂન 2024માં તેની ધરપકડ કરવામાં આવી હતી. 17 ઓક્ટોબરે, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તેની ચાર્જશીટમાં એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો કે પન્નુની હત્યાનું કાવતરું ભારત સરકારના એક ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી વિકાસ યાદવ દ્વારા ઘડવામાં આવ્યું હતું.
ભારતે કહ્યું- વિકાસ યાદવ ગુપ્તચર એજન્સીના અધિકારી નથી
આ પછી, વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટતા કરી કે જે વિકાસ યાદવનું નામ લેવામાં આવ્યું છે, તે હવે ભારત સરકારનો કર્મચારી નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ એક પત્રકાર પરિષદમાં આ વાતની પુષ્ટિ કરી હતી.