અમેરિકન ડ્રીમ: ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
અનેક પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા, જુદી જુદી કૌશલ્યતા ધરાવતા પરદેશીઓ અમેરિકામાં નક્કી કરાયેલા સમય માટે કામ કરવા આવી શકે છે, દર વર્ષે અમેરિકા 55,000 ગ્રીનકાર્ડ વિશ્ર્વના લોકોને ‘વિઝા લોટરી’ દ્વારા પ્રદાન કરે છે
- Advertisement -
જેમ જેમ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર માટેની ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ બે હરીફો, ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાલમાં જેઓ વાઈસ પ્રેસિડન્ટ છે, એ કમલા હેરિસ, આ બન્ને જોરશોરથી એમના ઈમિગ્રન્ટો પ્રત્યેના વિચારો પ્રદર્શિત કરી રહ્યાં છે. અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઈલેક્શનમાં ઈમિગ્રેશન મુખ્ય ચર્ચાનો વિષય છે. દિવસે દિવસે એ વિષય ઉગ્ર બનતો જાય છે. દરેક પ્રેસિડન્ટ પદના ઈલેક્શન માટે, જે જે વ્યક્તિઓ ઉમેદવાર હોય છે, તેઓ જો એમને અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટવામાં આવશે તો ઈમિગ્રેશનની બાબતમાં કેવા કેવા ફેરફારો લાવશે એ જાહેર કરતા હોય છે. 5 નવેમ્બર, 2024ના દિવસે યોજાનાર ચૂંટણીના ઉમેદવારો, ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ, આમાં અપવાદ નથી. ગુરુવાર, 24 ઓક્ટોબર, 2024ના એરિઝોના સ્ટેટમાં આવેલ ટેમ્પા શહેરમાં એક ઈલેક્શન રેલીમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એમના ભાષણમાં એવી મતલબનું જણાવ્યું કે ‘અમેરિકા જે એક અત્યંત સુંદર દેશ હતો, એ હવે ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસતા ઈલ્લિગલ ઈમિગ્રન્ટોના કારણે ‘કચરાનો ડબ્બો’ બની ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાં ઈમિગ્રન્ટોની વિરુદ્ધ રહ્યા છે. એમના શાસનકાળ દરમિયાન એમણે ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશતાં અને અમેરિકામાં ‘અસાયલમ’ એટલે કે આશ્રયની માગણી કરતાં કુટુંબોનાં બાળકોને મા-બાપથી જુદાં કર્યાં હતાં. એ વાત સાચી છે કે સેંકડો લોકો, જેમાં આપણા ભારતીયોનો પણ ખૂબ મોટો સમાવેશ હોય છે, તેઓ અમેરિકામાં મેક્સિકોની સરહદો ઉપરથી યા તો કેનેડાની બોર્ડર ઉપરથી ઘૂસે છે. એમ કહેવાય છે કે રોજના લગભગ 2500 જેટલા અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયત્ન કરતાં પરદેશીઓ ઝડપાય છે. અમેરિકા દેશ જ એવો છે કે એ વિશ્ર્વના બધા જ લોકોને એ પોતાની તરફ આકર્ષે છે. સ્થળાંતરનો કુદરતી નિયમ છે ‘પુશ એન્ડ પુલ’. અમેરિકામાં વિશ્ર્વના અન્ય અનેક દેશોની સરખામણીમાં કમાવવાની, નોકરી મેળવવાની, ભણવાની, શાંતિથી રહેવાની, પોતપોતાનો ધર્મ પાળવાની સુખ-સગવડો છે. આથી જ એ ‘તક અને છત’નો પ્રદેશ વિશ્ર્વના અન્ય દેશોના લોકોને પોતાની તરફ ‘પુલ’ કરે છે. ખેંચે છે. આ ખેંચાણ એટલું બધું વધી ગયું છે કે અમેરિકાને સ્થળાંતરના કુદરતી નિયમ ‘પુશ એન્ડ પુલ’ને વેગળો મૂકીને, આ કટારના લેખકે છ વર્ષના સંશોધન બાદ જે નિયમ પ્રસ્થાપિત કર્યો છે એ, ‘થિયેરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ને અમલમાં આણ્યો છે. ભારતની સરખામણીમાં અમેરિકા ત્રણ ગણો વિશાળ દેશ છે, પણ એની વસતિ હજુ આજે પણ ભારતની વસતિ કરતાં ત્રણ ગણી કે એથી પણ ઓછી છે. આમ જુઓ તો અમેરિકામાં બે પ્રકારના લોકોની ખૂબ જ માંગ છે. અમેરિકાને હલકું કામ કરનારાઓ, સાફસૂફી કરનારા સફાઈ કામદારો, ટ્રક ચલાવનાર ડ્રાઈવરો, મોટેલોમાં બાથરૂમ સાફ કરનારાઓ, ગેસ સ્ટેશન ઉપર પેટ્રોલ ભરાવી આપનારાઓ તેમ જ દેખરેખ રાખનારાઓ, ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંમાં વેઈટર તરીકે કામ કરનારાઓ, ખેતરોમાં મજૂરી કરનારાઓ, આવા આવા નીચલા સ્તરના, હલકા ગણાતાં કામો કરનારાઓની ખૂબ જ અછત છે. સાથે સાથે ડોક્ટરો, પ્રોફેસરો, ટીચરો, કમ્પ્યુટર પ્રોફેશનલો, અર્થશાસ્ત્રીઓ, બાહોશ વેપારીઓ, આમની પણ એમને પુષ્કળ જરૂર છે.
આ જરૂરિયાતને પહોંચી વળવા અમેરિકાએ એમના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’માં ચાર જુદા જુદા ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી’ઓ દ્વારા મળી શકતા, અમેરિકામાં કાયમ રહેવાની સગવડ આપતા, ઈમિગ્રન્ટ વિઝાનું નિર્માણ કર્યું છે. પણ આ ચાર કેટેગરી, જેમાં હમણાંથી એક પાંચમી ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી’, જેને આપણે સૌ ‘ઈબી-5’ તરીકે ઓળખીએ છીએ, એનો પણ ઉમેરો કર્યો છે. આ ઉપરાંત અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં કુટુંબીજનો વિખૂટા પડી ન જાય અને કુટુંબ એકસાથે રહી શકે એ માટે ચાર જુદી જુદી ‘ફેમિલી પ્રેફરન્સ કેટેગરી’ઓ પણ ઘડી છે. આ ઉપરાંત ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી પણ અમેરિકાએ એમના ઈમિગ્રેશનના કાયદામાં ઘડી છે, જેની હેઠળ અમેરિકન સિટિઝન સંતાનો એમનાં મા-બાપોને અને અમેરિકન સિટિઝન એમની પત્ની યા પતિને એમની સાથે રહેવા આમંત્રી શકે છે. આટલું જ નહીં, પણ નોન-ઈમિગ્રન્ટ વિઝાની શ્રેણીમાં પણ અમેરિકાએ ‘એચ-1બી’ તેમ જ ‘એલ-1’ વિઝા ઘડ્યા છે, જેની હેઠળ પરદેશીઓ અમેરિકામાં કામ કરવા નિયત સંખ્યા અને સમયમાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય અનેક પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા, જુદી જુદી કૌશલ્યતા ધરાવતા પરદેશીઓ અમેરિકામાં નક્કી કરાયેલ સમય માટે કામ કરવા આવી શકે છે. દર વર્ષે અમેરિકા 55,000 ગ્રીનકાર્ડ વિશ્ર્વના લોકોને ‘વિઝા લોટરી’ દ્વારા પ્રદાન કરે છે. ‘યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશને’ જેને પુષ્કળ ઉત્તેજન આપ્યું છે એવા વિશ્ર્વના ત્રાસેલા, થાકેલા, કંટાળેલા લોકોને પણ અમેરિકા રાજકીય આશરો યા ‘રેફ્યુજી સ્ટેટસ’ આપે છે. આમ અમેરિકા એની જરૂરિયાત માટે વિશ્ર્વના હજારો લોકોને પોતાને ત્યાં ટૂંક સમય માટે યા કાયમ માટે કામ કરવા આવવાની છૂટ આપે છે. તેમ છતાં અમેરિકાની કાર્યકરો માટેની, કામદારો માટેની, ભણેલાગણેલા અનુભવી લોકો માટેની જે જરૂરિયાત છે એ પૂરી થતી નથી. આથી જ ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને અમેરિકામાં પ્રવેશવાની ઈચ્છા જાગે છે. ગેરકાયદેસર રીતે પણ એમને અમેરિકામાં કામ કરતા સ્વદેશ કરતાં અનેક ગણો વધુ લાભ મળે છે. 24 ઓગસ્ટ, 2024થી ‘ખાસ ખબર’માં ‘અમેરિકન ડ્રીમ’ આ કોલમ હેઠળ જે અમેરિકા વિઝા વિશે જે જાણકારી આપવામાં આવી રહી છે અને હવે પછી પણ એ આપવામાં આવશે, એ જણાવે છે કે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું જે કહેવું છે કે ઈલ્લિગલ ઈમિગ્રન્ટોએ બ્યુટિફુલ અમેરિકાને ‘ગાર્બેજ કેન’ બનાવી દીધું છે એ વાત સાવ ખોટી છે. ઊલટાનું ઈમિગ્રન્ટો, ઈલ્લિગલ ઈમિગ્રન્ટો સુદ્ધાં, અમેરિકાને સ્વચ્છ રાખવામાં અને પ્રગતિ કરવામાં પુષ્કળ સહાય કરે છે. જો બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે તો ઈમિગ્રન્ટો અને એમાં પણ ખાસ કરીને ઈલ્લિગલ ઈમિગ્રન્ટોએ સુંદર અમેરિકાને કચરાનો ડબ્બો નથી બનાવ્યો, ઊલટાનું અમેરિકામાં જ જન્મેલા અને રહેતા અમેરિકન સિટિઝનોએ અમેરિકાને અસ્વચ્છ રાખ્યું છે. ઈમિગ્રન્ટોની અમેરિકાને ખૂબ ખૂબ જરૂરત છે. એ વાત પણ સાચી છે કે કાયદેસર અમેરિકામાં પ્રવેશવાના, ત્યાં રહેવાના, કામ કરવાના, ત્યાંના નાગરિક બનવા માટેના અનેક રસ્તાઓ હોવા છતાં પરદેશીઓ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાના પ્રયત્નો કરે છે. અનેકો એમાં સફળ પણ થાય છે અને એ કારણે જ એમને બદનામી વહોરી લેવી પડે છે. અમેરિકા ઈમિગ્રન્ટોેનો દેશ હતો, છે અને રહેશે.