રેવન્યૂ વકીલોએ કલેક્ટરને આવેદન આપીને ત્રિજ્યામાં આવતા વિસ્તારોની સ્પષ્ટતા કરવા માંગ કરી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના અલગ અલગ વિસ્તારોમાં થોડા સમય પહેલા અશાંતધારો લાગુ થતા અશાંતધારા હેઠળના વિસ્તાર અને આજુબાજુના 500 મીટરની ત્રિજ્યામાં દસ્તાવેજ ન થવાના હુકમને કારણે મોટાભાગના દસ્તાવેજની કામગીરી પર અસર થતાં વકીલો રોષે ભરાયા છે અને આ બાબતે દસ્તાવેજની કામગીરી કરતા વકીલોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદન આપી અશાંતધારા હેઠળના વિસ્તાર તેમજ સર્વે નંબર અને 500 મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોની સ્પષ્ટતા કરવા માંગ કરી છે.
- Advertisement -
મોરબી રેવન્યુ બાર પ્રેક્ટિશનર એસોસિએશનના નેજા હેઠળ રેવન્યુ વકીલોએ આ બાબતે કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, હાલ સરકાર દ્વારા મોરબીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે જેમાં અશાંતધારા હેઠળના વિસ્તાર તેમજ આજુબાજુના 500 મીટરની ત્રિજ્યામાં દસ્તાવેજ થઈ શકશે નહીં તેવા હુકમને કારણે દસ્તાવેજની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે જો કે આ 500 મીટરની ત્રિજ્યામાં કેટલો વિસ્તાર તેમજ સર્વે નંબર આવે એની કોઈ સ્પષ્ટતા કરી ન હોવાથી આ બાબતે વિસંગતતા ઉભી થઈ છે. 500 મીટરની ત્રિજ્યામાં તો મોરબીનો મોટાભાગનો વિસ્તાર આવી જતો હોય દસ્તાવેજની કામગીરી ન થવાથી લોકો અને વકીલોને હાલાકી ભોગવવી પડે છે.
500 મીટર ત્રિજ્યામાં દસ્તાવેજ નહીં થઈ શકવાના હુકમથી દસ્તાવેજની કામગીરી પર અસર થઈ છે અને નામ માત્રની કામગીરી ચાલુ રહેતી હોય દસ્તાવેજ માટે હાલાકી ભોગવવી પડતી હોવાથી 500 મીટર ત્રિજ્યામાં કેટલો વિસ્તાર આવે છે, કેટલો સર્વે નંબર આવે છે તેની સ્પષ્ટતા કરવાની માંગ કરી છે જેથી દસ્તાવેજની કામગીરી વ્યવસ્થિત ચાલુ થઈ જાય તેવી વ્યવસ્થા કરવા વકીલો દ્વારા માંગ કરવામાં આવી હતી.