‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ GPCB હરકતમાં: ઘુંટુ ગામે મોડી રાત્રે પેપરમિલોમાં દરોડા
અંબાણી પેપરમિલમાંથી પ્લાસ્ટિક વેસ્ટ ભરેલા બે ટ્રક ઝડપાયા: રોલ્ટાસ પેપરમિલમાંથી સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઘુંટુ ગામે બેરોકટોકપણે બેફામ વાયુ પ્રદૂષણ ફેલાવીને ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા પેપરમિલો મામલે ગઈકાલે મંગળવારે ’ખાસ-ખબર’ દ્વારા અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો જે અહેવાલ બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હરકતમાં આવ્યું હતું અને ગઈકાલે રાત્રે ઘુંટુ નજીકના પેપરમિલોમાં દરોડા પાડ્યાં હતાં જ્યાંથી કચરો ભરેલા બે ટ્રક પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક આવેલ પેપરમિલો દ્વારા બેફામ વાયુ પ્રદુષણ ફેલાવવામાં આવતું હોય અને ગામમાં પણ અતિ દુર્ગંધ આવતી હોય ગ્રામજનોએ અનેક વાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત કરી હતી તેમ છતાં પણ આ પેપરમિલો વિરૂદ્ધ નક્કર પગલાં ન લેવાતાં આ મામલે ’ખાસ-ખબર’ દ્વારા ગઈકાલે અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો અને જીપીસીબીમાં ચાલતી લોલમલોલની પોલ ખોલી હતી.
આ અહેવાલ બાદ જીપીસીબી હરકતમાં આવ્યું હતું અને ગઈકાલે મોડી રાત્રે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોરબી કચેરીના રીજનલ ઓફીસર કે. બી. વાઘેલાએ પોતાની ટીમ સાથે ઘુંટુ નજીક આવેલ અંબાણી પેપર એલએલપી અને રોલ્ટાસ પેપરમિલમાં દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી જેમાં અંબાણી પેપરમિલમાંથી ભરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટ ભરેલા બે ટ્રકો જીપીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે રોલ્ટાસ પેપરમિલમાંથી સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મોરબી જીપીસીબીના અધિકારી કે. બી. વાઘેલાની સિંઘમ કામગીરીને લઈને પેપરમિલ ધારકો પણ ક્યાંકને ક્યાંક ગોઠવણ કરવા પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.