ખાસ-ખબર ન્યૂઝ તાલાલા, તા.23
તાલાલા તાલુકાનાં ધણેજ ગામ વિસ્તાર તથા ઉપરવાસમાં મુશળધાર વરસાદથી ગામ પાસેથી પસાર થતી આંબાખોઈ નદી પ્રથમ વખત ફાટતાં પુરના પાણી ગામમાં ઘુસી જતા ગામ લોકો ભયભીત થઇ ગયા હતા. ગામના સામાજીક અગ્રણી બાબુભાઈ પંડિતે આપેલ વિગત પ્રમાણે રવિવારે દિવસ દરમ્યાન ધણેજ ગામમાં 10 થી 12 ઈંચ વરસાદ પડયો હતો.આ વરસાદ દેવગામ,જંગર,ધ્રાબાવડ,લાડુળી સહિતના ગામોમાં પણ અવિરત મુશળધાર વરસાદ પડતાં ધણેજ ગામ પાસેથી પસાર થતી આંબાખોઈ નદીમાં અભુતપૂર્વ પુર આવ્યું હતું.
આ દરમ્યાન બાજુમાંથી પસાર થતા સાતવલા વોંકળામાં આવેલ વિક્રમજનક પુર ના પાણી નદીના પ્રવાહમાં ભળતા ગામની છાપરી સીમ પાસે આંબાખોઈ નદી ફાટતાં પુરના પાણી ગામની આથમણી અને ઉગમણા વિસ્તારમાં ઘુસી જતા પુરના પાણીએ ગામને ભરડો લેતા ગામ વચ્ચે આવી ગયું હતું.ગામના સરપંચ જલ્પાબેન પંડિત તથા પંચાયતના સભ્યો,અગ્રણીઓ પુરગ્રસ્ત વિસ્તારમાં દોડી ગયા હતાં.ગામમાં ફરી વળેલ પુરના પાણીથી કોઈ નુક્સાન થયું નથી પરંતુ ગામમાં પ્રથમ વખત નદીના પુરના પાણી ફરી વળતાં ગામલોકો ભયભીત થઈ ગયા હતા.
- Advertisement -
સાત કલાક ગામ વિખુટું રહ્યું: આ મોસમમાં ગામ ચોથી વખત થયું સંપર્ક વિહોણું
ધણેજ ગામના સામાજીક અગ્રણી બાબુભાઈ પંડિતે જણાવ્યું છે કે આંબાખોઈ નદી ઉપર જેપુર ગીર થી ગામ તરફથી આવતા માર્ગ ઉપર બેઠો પુલ છે જે ઉંચો અને મોટો બનાવવો ખુબ જ જરૂરી છે…છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં વરસાદ વધતો જાય છે.ચોમાસાની સિઝન દરમિયાન નદીમાં કાયમી નાનું પુર અવિરત રહે છે.વરસાદ શરૂ થતા નદીમાં તુરંત ઘોડાપુર આવી જતા બેઠા પુલ ઉપર પુરના પાણી ફરી વળતા ગામ વિખુટુ પડી જાય છે.માર્ગ બંધ થતા તાલાલા અને માળિયા તાલુકાના 15 થી 20 ગામોનો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે જે કલાકો સુધી બંધ રહે છે.રવિવારે ગામ સાત કલાક વિખુંટુ પડી ગયું હતું આવી રીતે આ મોસમમાં ગામ ચાર વખત વિખુટુ પડી ગયું છે.
આ વિસ્તારમાં વરસાદની સાથે વાહન વ્યવહારમાં અવિરત વધારો થયો હોય નદી ઉપરનો પુલ ઉંચો મોટો બનાવવા છેલ્લા પાંચ વર્ષથી માંગણી કરવામાં આવેલ છે જેના અંતર્ગત માપણી સાથે સર્વે પણ થઈ ગયું છે પરંતુ પુલ મોટો બનાવવાની કામગીરી આગળ વધતી નથી.જ્યાં સુધી પુલ મોટો અને ઉંચો બનશે નહીં ત્યાં સુધી ચોમાસા દરમ્યાન ગામ વારંવાર વિખુટું પડી જશે જે સૌનાં માટે ચિંતાજનક છે. બાબુભાઈ એ આ વિસ્તારની 15 ગામની પ્રજાને યોગ્ય ન્યાય માટે પુલ ઉંચો બનાવવાની કામગીરી તુરંત શરૂ કરવા માંગણી કરી હતી.