પ્રસાદ બનાવવા માટે બનાવટી ઘી વેચનાર નીલકંઠ ટ્રેડર્સના માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે, આરોપી જતીન શાહે મોહિની કેટરર્સને 300 ઘીના ડબ્બા વેચ્યા હતા
હવે ટચ સ્ટોન ફાઉન્ડેશન પ્રસાદ બનાવશે, ટચ સ્ટોન ફાઉન્ડેશન અક્ષયપાત્ર ફાઉન્ડેશનનો જ એક ભાગ છે, જે ઇસ્કોન સાથે સંકળાયેલ છે
- Advertisement -
યાત્રાધામ અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે વપરાતા ઘીમાં ભેળસેળ સામે આવ્યા બાદ સતત કાર્યવાહી ચાલી રહી છે. પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તો લાખો ભક્તોના ધસારા વચ્ચે તાત્કાલિક શુદ્ધ ઘીની વ્યવસ્થા કરી પ્રસાદ પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે. બીજી તરફ મોહિની કેટરર્સની જગ્યાએ ઇસ્કોનની સંસ્થા ટચ સ્ટોન ફાઉન્ડેશન અગામી 6 મહિના માટે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો. આ તમામ ઘટનાઓ કેટરર્સ એજન્સીને ઘીના ડબ્બા સપ્લાય કરનાર નીલકંઠ ટ્રેડર્સના માલિકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
અહેવાલોનું માનીએ તો અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે બનાવટી ઘી વેચનાર નીલકંઠ ટ્રેડર્સના માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી જતીન શાહે મોહિની કેટરર્સને ઘીના 300 ડબ્બા વેચ્યા હતા. અંબાજી પોલીસે ધરપકડ કર્યા બાદ જતીન શાહની પૂછપરછ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પૂછપરછ દરમિયાન હજુ પણ વધુ મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે. હાલ અંબાજી પોલીસ બનાવટી ઘીની ખરીદી અને વેચાણ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અંબાજીમાં પ્રસાદ બનાવતા મોહિની કેટરર્સ પાસેથી ઘી જપ્ત કર્યા બાદ એજન્સીએ આ ઘી અમદાવાદના માધુપુરામાં આવેલી નીલકંઠ ટ્રેડિંગ એજન્સી પાસેથી ઘી ખરીદ્યું હોવાનું કહ્યું હતું. તેમણે નીલકંઠ ટ્રેડર્સમાંથી 300 ડબ્બા ઘી ખરીદ્યું હતું. 300માંથી 120 ઘીના ડબ્બાનો પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમૂલ બ્રાંડના ઘીના પ્રતિ ડબ્બાનો ભાવ રૂ.9,500 હતો, પરંતુ નીલકંઠ ટ્રેડર્સમાંથી 8,600ના ભાવે મોહિની કટરર્સે ઘી ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવટી ઘીની પોલ ખૂલ્યા બાદ આરોપી 2 દિવસથી નાસતો ફરતો હતો. હાલ અંબાજી પોલીસે તેની ધરપકડ કરીને મેડિકલ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મહાપર્વ ભાદરવી પૂનમ પહેલાં પ્રશાસન દ્વારા 28 ઓગસ્ટના રોજ 15 કિલોના 180 ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા. આ લેખે કુલ 2730 કિલો ઘીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેમ્પલમાં લેવામાં આવેલું ઘી અખાદ્ય હોવાનું સામે આવ્યું હતું. ઘીના સેમ્પલ ફેલ થયા બાદ ઘીની ખપતને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા બનાસ ડેરી પાસેથી ઘી લેવામાં આવ્યું હતું. બીજી તરફ, ઘીમાં ભેળસેળ સામે આવ્યા બાદ પ્રશાસને મોહિની કેટરર્સનો કોન્ટ્રકટ રદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોહિની કેટરર્સનો કોન્ટ્રકટ રદ કર્યા બાદ ઇસ્કોનની સંસ્થા ટચ સ્ટોન ફાઉન્ડેશન અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગામી 6 મહિના માટે ઈસ્કોન દ્વારા સંચાલિત ટચ સ્ટોન ફાઉન્ડેશન પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ મામલે મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે અત્યારે પ્રસાદની વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, ટચ સ્ટોન ફાઉન્ડેશનને નવો કોન્ટ્રોક્ટ અપાયો છે જેથી અગામી 6 મહિના સુધી તેમના દ્વારા જ પ્રસાદ બનાવવામાં આવશે. ટચ સ્ટોન ફાઉન્ડેશન અક્ષયપાત્ર ફાઉન્ડેશનનો જ એક ભાગ છે. જે ઇસ્કોન સાથે સંકળાયેલ છે.
- Advertisement -