ગુજરાતના શિક્ષણવિદોના પ્રશ્ર્નોને હવે રાષ્ટ્રીય સ્તરે મળશે વાચા: ટ્યુશન એક્ટમાં સુધારાની પ્રાથમિકતા સાથે સંભાળી જવાબદારી
ખાસ-ખબર ન્યૂઝ અંબાજી, તા.3
- Advertisement -
અંબાજી ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન દ્વારા આયોજિત ભવ્ય મહાધિવેશનમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ ક્ષણ જોવા મળી હતી. કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ઈઋઈં) ના ફાઉન્ડર ડિરેક્ટર શ્રી આશિષ ગંભીરે આ મંચ પરથી શ્રી હેમાંગ રાવલની નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે વરણી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ નિમણૂકથી ગુજરાતના કોચિંગ અને શિક્ષણ જગતને રાષ્ટ્રીય સ્તરે મજબૂત નેતૃત્વ પ્રાપ્ત થયું છે.
નવી જવાબદારી સ્વીકારતા શ્રી હેમાંગ રાવલે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની પ્રથમ પ્રાથમિકતા ગુજરાતમાં અમલમાં આવનાર ટ્યુશન એક્ટમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ફેડરેશનના સૂચનોનો અમલ કરાવવાની રહેશે. તેમણે ઉમેર્યું કે ગુજરાતના શિક્ષણવિદોની લાગણીઓ અને પડતર માંગણીઓને હવે દિલ્હી દરબાર સુધી પહોંચાડવામાં આવશે. શિક્ષણ સંસ્થાઓના હિતોની રક્ષા, પારદર્શક વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ફેડરેશન આગામી સમયમાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે.
શ્રી હેમાંગ રાવલ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેઓ હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનના પ્રમુખ અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન જેવી અનેક પ્રતિષ્ઠિત જવાબદારીઓ સંભાળી રહ્યા છે. સાહિત્ય જગતમાં પણ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં સતત ત્રણ ટર્મથી ચૂંટાયેલા સદસ્ય છે. શિક્ષણ ક્ષેત્રે તેમની આ રાષ્ટ્રીય નિયુક્તિને રાજ્યભરના શિક્ષણવિદો અને સંસ્થાઓએ હર્ષભેર વધાવી લીધી છે.



