દુકાનદારો-વેપારીઓ સમજે કે ગ્રાહકોને શું જોઈએ છે….
- કિન્નર આચાર્ય
શું બજારમાં મંદી છે? શું લોકો પાસે નાણાં નથી? માર્કેટમાં લિક્વિડિટીની ખેંચ છે? દર વર્ષે દિવાળી આવે કે તરત જ આવી ચર્ચાઓ શરુ થઈ જાય. આ વખતની દિવાળી અલગ છે. બેશક, કોરોનાને કારણે ધંધામાં, બજારમાં થોડી નાણાંભીડ હોય એ સ્વાભાવિક છે પરંતુ, લોકો પાસે પૈસા નથી, એવું કહેવું વધુ પડતું છે. ભારતમાં ઈ-કોમર્સ સાઇટના ઓનલાઈન સેલને જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો છે તે જોઈને ઘણાનાં ભ્રમ ભાંગી ગયા છે. અર્થશાસ્ત્રીઓ અને બજાર નિષ્ણાતો મોંમાં આખી હથેળી નાખી ગયા છે. આંગળાની તો વાત જ નો કરો. બેઉ ઈ-કોમર્સ સાઇટે ફક્ત ત્રણથી ચાર દિવસમાં જ પોતાનો લક્ષ્યાંક પાર પડી લીધો છે. આજે દેશભરમાં મીડિયામાં એમેઝોન-ફ્લિપકાર્ટના આ મેગા સેલને મળેલી બ્લોકબસ્ટર સફળતાની ચર્ચા છે.
બેઉ સાઈટના સેલનો આંકડો 30 હજાર કરોડ રૂપિયાને વટાવી જાય-એ વાસ્તવિકતા જ ચોંકાવનારી છે. ફ્લિપકાર્ટના મેગા ઓનલાઈન સેલના આંકડાઓ જોઈએ તો આંખો પહોળી થઇ જાય. “બિગ બિલિયન ડે” નામના આ સેલમાં કંપનીને ગત વર્ષની સરખામણીએ 50 ટકા વધુ વકરો થયો છે. અઠવાડિયા સુધી ચાલેલા આ સેલનો ટાર્ગેટ પ્રથમ ત્રણ દિવસમાં જ સિદ્ધ થઈ ગયો હતો! ફ્લિપકાર્ટે ખુદ તેની સાઈટ પર આ સેલની રોચક વિગતો મૂકી છે. આ સેલ દરમિયાન ફ્લિપકાર્ટની સાઈટ-એપની મુલાકાત કેટલા લોકોએ લીધી? જગતભરમાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમોની ક્ષમતા કરતા 27 ગણા લોકોએ! અહીં જેટલી ક્રેડિટ અપાઈ તેમાંથી 32 હજાર લોકોને વર્લ્ડ ટૂર કરાવી શકાય. આ દરમિયાન સાઈટ પરની ગેમ્સમાં 50 લાખ કલાકો અને વીડિયોમાં 75 લાખ કલાકો ખર્ચાયા.
- Advertisement -
ફ્લિપકાર્ટ પર આ દિવસો દરમિયાન એટલા ટીવી સેટ્સ વેંચાયા-જેના થકી 20 હજાર થિયેટર સ્ક્રીનને સંપૂર્ણપણે ઢાંકી શકાય, ફ્લાઇટ્સની એટલી ટિકિટ વેંચાઈ જેના થકી 3500 વખત પૃથ્વીની પ્રદક્ષિણા થઇ શકે. દર બે સેક્ધડે અહીં એક હોમ થિયેટર સિસ્ટમ વેંચાઈ ગઈ. કંપનીના ડિલિવરીમેન દ્વારા એટલું અંતર કપાયું કે 60 વખત ચંદ્ર પર જઈને પરત ફરી શકાય. સાઈટ પરથી દર એક સેક્ધડે 14 મોબાઈલ વેંચાયા, દર ચાર મિનિટે 11 હજાર કિલો બદામ વેંચાઇ. સાઈટ પરથી એટલા બલ્બ વેંચાયા-જેનાથી 50 ફૂટબોલ સ્ટેડિયમને ઝળાંહળાં કરી શકાય. અઠવાડિયામાં આ લોકોએ જેટલા જૂતા વેચ્યા છે તેના બોક્સનો જો ઢગલો કરવામાં આવે તો 30 માઉન્ટ એવરેસ્ટ કરતા પણ ઉંચો થાય! આ તો માત્ર ફ્લિપકાર્ટના આંકડા છે, એમેઝોનના પણ તેમાં ઉમેરીએ તો ફિગર્સ ઓલમોસ્ટ ડબલ થઇ જાય.
એમેઝોન અને ફ્લિપકાર્ટના આ સેલના આંકડા પ્રતિવર્ષ હરણ-છલાંગો લગાવી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક વેપારીઓ કહે છે કે “ઘરાકી નથી… ખરીદી નથી!” વાસ્તવિકતા એ છે કે, ભારતીય ગ્રાહક હવે ઓનલાઇન ખરીદી પર વધુ શ્રદ્ધા ધરાવતો થઇ ગયો છે. સત્ય એ છે કે, ઈ-કોમર્સ સાઈટ પર તેને બહેતર સર્વિસ અને સારી આફ્ટર સેલ સર્વિસ મળી રહી છે. પ્રોડક્ટમાં ડેમેજ હોય, વસ્તુ તમને પસંદ ન આવે તો ઈ-કોમર્સ સાઈટ તમને બીજા દિવસે રિફંડ આપે છે. વસ્તુ એક્સચેન્જ કરવી હોઈ તો એ સવલત પણે આપે છે. કારણ આપવાનું પણ ઓપ્શનલ છે, વસ્તુ રિટર્ન કરવા માટે કારણ જણાવવું પણ જરૂરી નથી.
સ્થાનિક વેપારીઓએ રોદણાં રડવા કરતા બદલાયેલા બજાર અને ખરીદી પ્રથાને સમજવી પડશે અને એ મુજબ પોતે વ્યાપારમાં પરિવર્તન આણવું પડશે. ગ્રાહકોને ઉત્તમ સર્વિસ આપવી પડશે. માલ વેચ્યા પછી પણ કસ્ટમરને સેવાઓ આપવી એ સૌજન્ય જ નહિ ફરજ છે.
- Advertisement -
આખી દુનિયામાં આફ્ટર સેલ સર્વિસનું આગવું મહત્ત્વ છે. આપણે ત્યાં વેપારીઓની માનસિકતા એવી છે કે, એક વખત તમે પેમેન્ટ કરીને પગથિયું ઉતરી ગયા પછી તમે કોણ અને અમે કોણ! વસ્તુઓ વેચવા માટે કોઈ સમય નિયત નહીં, પરંતુ એક્સચેન્જ કરવી હોય તો ચોક્કસ સમયે જ જવાનું એમાં પણ પાછા તેઓ મોં મચકોડે. નફાનો માર્જિન તોતિંગ. આ બધું વેપારીઓએ વર્ષો સુધી કર્યું આજે હવે ગ્રાહકો ઓનલાઇન ખરીદી તરફ વળ્યાં તો વેપારીઓને પેટશુળ ઊપડ્યું છે. હજુ પણ તક છે. ઘણા વેપારીઓ બોધપાઠ લઇને સુધરી ગયા છે. ઉત્તમ વસ્તુ તેઓ વાજબી નફાની વેંચી રહ્યા છે. ઉમદા સર્વિસ આપી રહ્યા છે. બાકીના વેપારીઓ જો આવી બાબતોનું અનુકરણ નહિ કરે તો ઈ-કોમર્સ સાઇટ્સ હવે બાકી રહેલો વેપાર પણ કબજે કરી લેશે.