6 સપ્ટેમ્બર: રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ
ચાલુ વર્ષે 64 જેટલા સરકારી તાલુકા ગ્રંથાલયો શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય
- Advertisement -
21 જિલ્લામાં સરકારી પુસ્તકાલયો ખોલાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરિકો માટે ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું હતું. આ જ દિશામાં આગળ વધતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તાજેતરમાં રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખૂબ ગૌરવની બાબત છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 6 સપ્ટેમ્બરનો દિવસ ‘નેશનલ રીડ અ બુક ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ વાંચનના આનંદની ઉજવણી કરવાનો છે, તેમજ વાંચનની પ્રવૃત્તિમાં લોકો રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોના લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગૃત થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ પુસ્તકાલયો કાર્યરત કરવાનું આયોજન છે.
- Advertisement -
આ અંતર્ગત, રાજ્યના 7 આદિજાતિ જિલ્લાઓના 14 તાલુકાઓમાં પુસ્તકાલયો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેના પરિણામે, ગુજરાતના પ્રત્યેક આદિજાતિ તાલુકાના તમામ આદિવાસી સમુદાયોને વાંચન સેવાનો 100 ટકા લાભ પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની સ્થાપનાથી લઇને આજ સુધીમાં એક સાથે એક જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ગ્રંથાલયને મંજૂરી આપવાનો આ નિર્ણય ઐતિહાસિક છે.
પુસ્તકો, સામયિકો, આલેખો અને સચિત્ર શિક્ષણના સાધનો દ્વારા લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગે અને જ્ઞાનનો પ્રચાર થાય તેવા ઉદ્દેશથી સમગ્ર રાજ્યમાં જાહેર ગ્રંથાલયની સ્થાપના અને વિકાસ થાય તે માટે જાહેર ગ્રંથાલય માટેની માન્યતા તથા સહાયક ગ્રાન્ટ અંગેની નીતિ નક્કી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવતી ગ્રાન્ટમાં વર્ષ 2023-24થી અનુદાનિત ગ્રંથાલયોને લોકફાળામાંથી મુક્તિ આપી 100 ટકાના ધોરણે અનુદાનમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે ગ્રંથાલયોને પહેલા જે 25% લોકફાળો ભરવો પડતો હતો, તેમાંથી મુક્તિ આપીને, રાજ્ય સરકાર દ્વારા 100 ટકા ગ્રાન્ટ ઉપલબ્ધ કરવામાં આવશે.