મંત્રીના હસ્તે વિછીયા ખાતે કાંગસિયા સમાજના લોકોને આવાસની સનદ એનાયત: ઓરી-આસલપર-દેવધરી ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત
રાજકોટ તારીખ ૧૨ જૂન- રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિછીયા ખાતે વિચરતી વિમુક્ત જાતિના નવ નાગરિકોને આવાસ ફાળવણીની સનદો એનાયત કરી હતી અને ઓરી,દેવધરી તથા આસલપર ગામ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વિચરતી વિમુક્ત જ્ઞાતિના લોકોને આવાસોની ફાળવણી કરીને તેમનું જીવનધોરણ ઊંચું આવે તેવા પ્રયત્નો આદર્યા છે. આ આવાસોમાં નિવાસ કરતા લોકો માટે રાજ્ય સરકાર પાણી, ગટર, વીજળી વગેરે જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ રાજ્ય સરકાર સત્વરે પૂરી પાડશે. આજુબાજુના ગામડાંના નાગરિકોને પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરીને આવાસ મેળવવા અંગેની કાર્યવાહી સત્વરે શરૂ કરવા મંત્રીએ ઉપસ્થિતોને ખાસ અનુરોધ કર્યો હતો. વિછીયા તાલુકાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓનો લાભ લેવા માટે મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું.
મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિછીયા તાલુકાના નાગરિકોને ઘર આંગણે મળતી આરોગ્ય સુવિધાઓનો લાભ લઈ જીવન ધોરણ સુધારવા પર ભાર મૂક્યો હતો. અને તમામ ગામોને રોડ કનેક્ટિવિટી, શિક્ષણ, આરોગ્ય વગેરે સુવિધાઓ પુરી પાડવા માટે કરાઈ રહેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન કડવાભાઈ, સરપંચ ચતુરભાઈ રાજપરા અને વસ્તાભાઈ દુમડીયા, મામલતદાર આર.બી. ડાંગી અને તાલુકા વિકાસ અધિકારી જયદીપ સોલંકી, હેલ્થ ઓફિસર ડો. ડાભી અને ડો. ખામ્ભલા, અગ્રણી અંજનભાઈ ધોળકિયા, હનુભાઈ ડેરવાળિયા હિતેશભાઈ હાલાણી, ભુપતભાઈ રોજાસરા, ઘનશ્યામભાઈ મુળીયા, નીતિનભાઈ રોજાસરા અને સ્થાનિક સમાજના નાગરિકો સામેલ થયા હતા.



