સંસ્કૃતિઓ મોટાભાગે નદી કિનારે જન્મ લેતી હોય છે. કેરળના નદી કિનારાઓ પણ ભારતની પ્રાચિન સંસ્કૃતિ અને સભ્યતાના જન્મસ્થાન છે. આજે પણ અહીં માનવીથી લઈ પશુપક્ષી નદી કિનારે હાઉસબોટમાં રહે છે, નાનીમોટી નાવડીમાં જ હરે, ફરે, ચરે છે! કેરળનું આવું જ એક શહેર એટલે એલ્લેપ્પી – અલાપ્પુઝા. અહીં નદી કાંઠે એક આખી સંસ્કૃતિ વિકસી છે અને બેકવોટરની સભ્યતા પણ ખરી. કેરળ યાત્રાના ભાગ-1માં જટાયું અર્થ સેન્ટર બાદ ભાગ-2માં એલ્લેપ્પીની શાબ્દિક સફર કરીએ.
એલ્લેપ્પી એક સુંદર શહેર છે, જે જાણીતું છે તેના બેકવોટર બોટહાઉસ એક્સપિરિયન્સ અને દરિયા કિનારાથી લઈ ચોખાના ખેતર માટે. હાઉસબોટમાં મુસાફરી કરી ઘટાદાર નહેરો-કેનાલોના કાંઠે વસતા માનવોથી લઈ પશુપક્ષીની અલાયદી દુનિયા નિહાળવાનો અને પાણી-પ્રાણી-પ્રકૃતિને એકસાથે માળવાનો રસ હોય તો એલ્લેપ્પી જેવી અફલાતૂન જગ્યા બીજી કોઈ નહીં લાગે. એલ્લેપ્પીમાં અને આસપાસમાં કુમારકોમ પક્ષી અભયારણ્ય સહિત અમુક જગ્યાઓ જોવાલાયક ખરી પણ મન ભરીને માણવાલાયક એકમાત્ર છે વેમ્બનાડ તળાવ, જ્યાં હાઉસબોટ મારફતે બેકવોટરમાં વિહરી શકાય સાથોસાથ અવનવા પોઈન્ટ નિહાળતા બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાય. તિરુવનંતપુરમ પાસે આવેલા પુવ્વારમાં પણ મેન્ગ્રોવ જંગલ વચ્ચે બેકવોટર એક્ટિવિટી, બીચ અને બીજું ઘણું છે પરંતુ એલ્લેપ્પી જેવું તો નહીં જ. શક્ય હોય તો આ બંને સ્થળે બેકવોટર એડવેન્ચર એક્ટિવિટી અચૂક કરવી.
- Advertisement -
કેરળમાં દેશનું સૌથી વધુ લંબાઈ ધરાવતું સરોવર આવેલું છે ‘વેમ્બનાડ’
એલ્લેપ્પીમાં મળશે અફલાતૂન બેકવોટર બોટહાઉસ એક્સપિરિયન્સ
કેરળમાં દેશનું સૌથી વધુ લંબાઈ ધરાવતું સરોવર વેમ્બનાડ આવેલું છે. વેમ્બનાડ સરોવર લગભગ 2100 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. એલ્લેપ્પી – અલાપ્પુઝામાં એને વેમ્બનાડુ કહે, કટ્ટુનાડમાં પુન્નામડા અને કોચીમાં કોચી સરોવર. કોઈ સ્થળે તેની પહોળાઈ પંદરેક કિલોમીટર લગી પહોંચી જાય છે તો તેની લંબાઈ આશરે સો કિલોમીટર હશે. કેરળની છ મુખ્ય નદીઓ સહિત કુલ દસેક નદીઓના પાણી આ તળાવમાં ઠલવાય. આ તળાવ અંતે દરિયામાં ભળી જાય એટલે નદીના મીઠા જળ અને સમુદ્રના ખારા પાણીનું મિલન જોવું હોય તો એલ્લેપ્પી આવવું રહ્યું.
- Advertisement -
કેરળના સૌથી વિશાળ સરોવર વેમ્બનાડ મધ્યે અનેક ટાપુ આવેલા છે. વેમ્બનાડ તળાવ ત્રણ જિલ્લાઓ – કોટ્ટાયમ, એર્નાકુલમ અને એલેપ્પીમાં ફેલાયેલું છે. એલેપ્પી શહેર વેમ્બનાડ તળાવના પશ્ર્ચિમ કિનારા પર આવેલું છે. તળાવનો આ ભાગ પુન્નમાડા તળાવ તરીકે ઓળખાય છે. અહીં સૌથી રસપ્રદ છે, તળાવની નાની-મોટી અને ક્યાંક સાવ સાંકડી બની જતી કેનાલ. આ કેનાલની આસપાસ અનેક નાના મોટા ગામડાંઓ આવે. કેનાલની બેઉ તરફ મકાનો હોય અને મકાનો પાછળ ચોખાનાં ખેતર અથવા તો તળાવનો જ અન્ય ભાગ. આપણા ઘરે સ્કૂટર-ગાડી હોય તેમ અહીંયા દરેકના ઘરે હોડી-બોટ હોય. આ આખીયે કુદરતી-કૃત્રિમ રચનાની અસ્સલ વ્યવસ્થા એલ્લેપ્પી – અલાપ્પુઝામાં જોવા મળે એટલે તે ભારતના વેનિસ તરીકે પણ ઓળખાય છે.
એલ્લેપ્પીમાં વાહનવ્યવહારનું મુખ્ય સાધન છે: બોટ. અહીં સરકારી બોટ પણ ચાલે અને ખાનગી હોડી પણ હોય. કોઈની પાસે ડીઝલ બોટ હોય તો કોઈ પાસે હલેસાવાળી હોડી. ટૂંકમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે બોટનો ઉપયોગ થાય, વળી આ બોટમાં રહેવા પણ મળે અને ફરવા પણ મળે. એલ્લેપી આવો એટલે મૂળ શહેરમાં ઘણી પાંચ-સાત સિતારા હોટેલ જોવા મળે પણ રહેવાની સાચી મજા તો બેકવોટરમાં ફરતી રહેતી હાઉસબોટમાં જ આવે.
એલ્લેપ્પીમાં બેકવોટરમાં હાઉસબોટ્સ ફરતી રહેતી હોય. શ્રીનગરના દલ સરોવરની હાઉસબોટ્સ સ્થિર હોય છે જ્યારે અહીં તો હાઉસબોટ્સ સતત ફરતી રહે છે. તેમાં ફરવાના બે કલાકથી લઈને રહેવાના ચોવીસ કલાક સુધીના પેકેજિસ હોય. બે કલાકનું પેકેજ લો તો બેકવોટરમાં અને બીચ પર આંટો મરાવે. આ રાઈડ દરમિયાન આપ દરિયાઈ જીવશ્રુષ્ટિ સાથે પક્ષીઓની અવનવી પ્રજાતિ માણી શકો, ઘુવડ સાથે ફોટો પડાવી શકો, નાળિયેળ પાણી સાથે ફ્રેશ ફ્રૂટ્સની મજા માણી શકો, ઊંટ-ઘોડા પર સવારી કરી શકો અને બીજું ઘણું બધું. ચોવીસ કલાકનું પેકેજ લો તો તેમાં પણ આ બધી એક્ટિવિટી સાથે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, સ્નેક્સ વગેરે મળે. હાઉસબોટમાં બે કલાક ફરવાનો ચાર્જ પર પર્સન પાંચસોથી બે હજાર હોય છે જ્યારે આલિશાન એરકંડિશન રૂમવાળી હાઉસબોટમાં ચોવીસ કલાક રહેવાનો ખર્ચ પર પર્સન પચ્ચીસોથી પંદર હજાર થાય. પછી જેવી વૈભવતા એવા ભાવ.
ભારતના વેનિસ એવા સુંદર મજામાં શહેર એલ્લેપ્પી ફરવા માટે એક દિવસ કાફી છે. એલ્લેપ્પી કેરળનું હાર્દ છે, કેરળની અસલી મજા એલ્લેપ્પીમાં છે. જો કેરળ અને તેની સંસ્કૃતિ, સભ્યતા, ખાનપાન, રીતિ-રિવાજ, જનજીવનનો નજીકથી અભ્યાસ-અનુભવ કરવો હોય તો એલ્લેપ્પી – અલાપ્પુઝા જેવી ઉત્તમ જગ્યા બીજી એકેય નથી. મુન્નાર-ઠેક્કડી પણ નહીં. શું કામ? તે હવે પછી કેરળના હિલસ્ટેશન મુન્નાર-ઠેક્કડીની સફરમાં સમજીશું.



