ચેરીટી કમિશનરમાં રજિસ્ટ્રેશન વગર 15 સભ્યોની કમિટી બની ગઈ: નાનકડી દેરી હતી ત્યાં ભવ્ય મંદિર બનાવી દેવાયું
કથિત ટ્રસ્ટીઓને હાથો બનાવી કરોડોની જમીન પોતીકી કરી લેવા રાજકીય માથાઓની મેલી મુરાદ: ભાવિકોમાં ગણગણાટ
મંદિરના દાતા કે કાયમ સેવા પૂજા કરતા ભાવિકોને ટ્રસ્ટી મંડળમાં ન લેવાતા વિવાદ વકર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર એ.જી.ચોક પાસે વર્ષો પહેલાં જ્યાં નાની દેરી હતી તે ચમત્કારીક હનુમાનનું મંદિર દાતાના સહકારથી લાખોના ખર્ચે જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિર બનાવી દેવાયું છે. હજ્જારો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમાન આ ચમત્કારિક હનુમાનજી સામે ફંડફાળાના નામે ગેરવહીવટ થયાના આક્ષેપો પછી આ ધાર્મિક જગ્યા વિવાદમાં આવી છે. ચેરીટી કમિશનરમાં નોંધણી વિના ટ્રસ્ટીઓની નિમણુંક થઈ ગઈ છે. ટ્રસ્ટીઓ દ્વારા મંદિરના નામે કોઈ ફંડફાળા ઉઘરાવાતા નથી. સરકારી ખરાબા પર આવેલા આ મંદીરને કરોડોની જમીન ઉપર કેટલાક રાજકીય લોકોનો ડોળો છે અને કથિત ટ્રસ્ટીઓને હાથો બનાવીને કાનૂની આંટીઘૂંટીથી રસ્તો કરીને કરોડોની જમીન પોતીકી કરી હોવાનો ભાવિકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. ભગવાનમાં આસ્થા ધરાતા ભાવિકોની શ્રધ્ધા સામે લેશ માત્ર શંકા છે વિરોધ નથી પરંતુ ધર્મમાં રાજકારણ ઘૂસાડીને ધર્મની આડમાં આકાર લઇ કૌભાંડ અંગે મળેલી માહિતીના આધારે સત્ય ઉજાગર થાય એ હેતુ છે. જો કે ટ્રસ્ટીઓએ મંદિરને લઈને કોઈ વિવાદ છે જ નહીં પરંતુ કોંગ્રેસ દ્વારા વિવાદ છેડીને રાજકીય સ્વરૂપ અપાયાનો આક્ષેપ થયો છે.
ચર્ચાની ચકડોળે ચડેલા મંદિરના વિવાદની વિગતે વાત કરીએ તો કાલાવડ રોડ પર એ.જી. ચોક નજીક અંદાજે બે દસકા પહેલાં જ્યારે એટલે વસતી ન હતી અને એકલ દોકલની અવર જવર હેતી હતી. ત્યારે કેટલાક ભાવિકોએ સરકારી ખરાબાની જગ્યામાં હનુમાનની નાની દેરી બનાવી હતી. આ વિસ્તારના વિકાસ સાથે માનવ વસતી વધવા લાગી તેમ તેમ દર્શનાર્થીઓની સંખ્યા પણ થવા લાગતા દેરી વધુ મોટી બનાવી દેવાઇ. બન્ને ટાઇમ આરતી સેવા-પૂજા માટે પૂજારી રાખવામાં ખાવ્યા. એક શ્રદ્ધાળુએ પોતાની કોઇ માનતા સંકલ્પ પૂરો શરૂ થતા કરેલા નિશ્ર્ચય મુજબ નાનકડા મંદિરના સ્થાને લાખોનો ખર્ચ કરીને ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. પછી તો આ જગ્યામાં શનિદેવ અને શંકર મંદિર પણ બન્યા. દર શનિવારે બટુક ભોજન પણ કરાવાય છે. હનુમાનજી મંદિર પણ અતૂટ કાપ્યા ધરાવતા શ્રદ્ધાળુની માનતા અહીં પુરી થતી હોવાથી દિવસે દિવસે ભાવિકોની સંખ્યામાં વધારો થઇ જતાં મંદિરના વહીવટ માટે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશન વિના પ્રમુખ, કાર્યકારી પ્રમુખ, ખજાનચી સહિત 15 સભ્યની કમિટી સાથે ટ્રસ્ટી મંડળની રચના કરી દેવાઈ છે.
મંદિરના દાતા કે કાયમ સેવા પૂજા કરતા ભાવિકોને ટ્રસ્ટી મંડળમાં નહીં લેવાતા શરૂ થયેલા વિવાદમાં મનસ્વી રીતે વહીવટ કરતા કથિત ટ્રસ્ટીઓ સામે ફંડફાળો ઉઘરાવતા હોવાની તેમજ દાનપેટીમાં આવતી રકમ અંદાજીત મહિને (1થી 1.5 લાખ રૂપિયા) ક્યાં જાય છે? એ મુદ્દે શંકા કુશંકા સાથે આક્ષેપો શરૂ થયો છે.
એક ચર્ચા મુજબ કલેક્ટર હસ્તકની સરકારી ખરાબાની જમીનમાં બનેલા મંદિરને લાગુ ખરાબાની કરોડોની કિંમતની જમીન પર કેટલાક રાજકીય ગીધડાઓનો ડોળો છે. અગાઉ ધાર્મિક સ્થળ પર નજર દોડાવી ચૂકેલા રાજકીય આકાઓને ટ્રસ્ટીઓને આગળ ધરી દીધા છે અને કાયદાની આંટીઘૂંટીનું નિરાકરણ લાવી સરકારી જમીન ચાંઉ કરવાની ગતિવિધી માટે નિમાયેલા ચોક્કસ વ્યકિત દ્વારા દાવ-પેચ પણ શરૂ થઈ ગયાની કાન ફાડી નાખે એવી ચર્ચાઓ ચાલી રહી છે.