ટ્રસ્ટમાં બની બેઠેલા પ્રમુખ તમામ નિયમો નેવે મૂકી વહીવટ કરતા હોવાની ચર્ચા
અનેક ટ્રસ્ટીઓના અવસાન છતા ઓડિટ રીપોર્ટમાં કોઇ નોંધ કરાઇ નથી
ટ્રસ્ટની મિલકત અને આવકનો દુરપયોગ થતો હોવાની ચેરીટી કમિશ્નરને રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
ગુજરાત વૈષ્ણવ સાધુ (બાવા વૈરાગી) સમાજ રાજકોટનું એક સાર્વજનીક ટ્રસ્ટ છે. જેમાં હાલ ટ્રસ્ટી તરીકે પીટી એન્ટ્રીમાં કુલ 21 ટ્રસ્ટી અને 5 કો.ઓપ્ટ તરીકે સભ્ય નોંધાયા છે. ત્યારે આ ટ્રસ્ટમાં અનેક ટ્રસ્ટીના અવસાન થયા હોય તથા ગેરવહીવટ ચાલતો હોવાની 5 જુલાઇ 202પના રોજ જિગ્નેશભાઇ આત્મારામભાઇ ગોંડલીયા દ્વારા જોઇન્ટ ચેરીટી કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ફરી આ મુદ્દે ચેરીટી કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે. જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીના અધ્યક્ષે 8 ઓગ્સટ 2025ના રોજ જવાબ આપ્યો કે કાયદાના સલાહકારની સલાહ લઇ સક્ષમ ઓથોરીટી સમક્ષ દાદ માંગવાની રહેતી હોય અમારા દ્વારા કોઇ કાર્યવાહી કરવાની થતી નથી. તેમજ જાહેર ટ્રસ્ટોના પ્રશ્નો અને ગેરવહીવટ માટે ચેરીટી કમિશનરને જ સત્તા હોવા છતા આવા ઉડાઉ જવાબ આપી રહ્યા છે.
કોઇપણ ટ્રસ્ટમાં કોઇ ટ્રસ્ટી અવસાન પામે તો તેની નોંધ કરાવવી ફરજિયાત હોય છે તેમજ નવા પ્રમુખ કે કોઇ ટ્રસ્ટીની નિમણૂક કરવાની હોય તો ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવે છે તેમજ સભ્યો દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં આવે છે પરંતુ આ ટ્રસ્ટમાં આવા કોઇ જ નિયમનું અનુકરણ કરવામાં આવ્યુ નથી. આ ઉપરાંત ટ્રસ્ટમાં બની બેઠેલા પ્રમુખ તમામ નિયમો નેવે મૂકી વહીવટ કરતા હોવાની ચર્ચા થઇ રહી છે. તેમજ ટ્રસ્ટની મિલકત અને આવકનો દુરપયોગ થતો હોવાનો આક્ષેપ સમાજના સભ્ય દ્વારા કરવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓ તરીકેની નોંધ તેમજ અવસાન પામેલા ટ્રસ્ટીઓની કમી કરવાની નોંધ અંગેનો ફેરફાર રીપોર્ટ રજૂ કરી પરવાનગી મેળવવાની હોય તેવી કોઇ અરજી પણ કરવામાં આવી નથી. તેમજ જે ટ્રસ્ટી તરીકે નોંધાયેલા ન હોય તેવા બની બેઠેલા ટ્રસ્ટી ટ્રસ્ટમાં ગેરવહીવટ કરી રહ્યા છે. આ મુદ્દાને ધ્યાનમાં લઇ આપ ચેરીટી કમિશ્નરને કાયદાથી ફોજદારી ફરિયાદ કરવાનો અધિકાર હોય કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી રજૂઆત છે.
અવસાન પામેલા ટ્રસ્ટીઓની યાદી
- Advertisement -
– દેશાણી મંગળદાસ વશરામદાસ
– ગોંડલીયા બાબુલાલ પરષોતમભાઇ
– હરીયાણી ત્રિભુવનદાસ મોહનદાસ
– હરીયાણી ગોરધનદાસ ગંગારામ
– દૂધરેજીયા અંબારામ રામદાસ
– ગોંડલીયા મોહનદાસ દેવીદાસ
– ગોંડલીયા દયારામ જેરામદાસ
– ગોંડલીયા પ્રભુદાસ સોભારામ
– સરપદડીયા રવિદાસ પિતાંબરદાસ
– મેસવાણીયા મોહનલાલ ગંગારામ
– ગંગારામ તુલસીદાસ કાપડી
– જુગલદાસ રવિદાસ ગોંડલીયા
ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ સિવાયના લેભાગુ તત્વો કરે છે વહીવટ
ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજના સાર્વજનીક ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ સિવાયના લેભાગુ તત્વો વહીવટ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં ઓડિટર કોટક એન્ડ કંપની, એન.જે.પટેલ, એમ.સી.ભમ્ભાણી વગેરેએ ઓડિટ કરે છે જેના ઓડીટ રીપોર્ટમાં મૂળ ટ્રસ્ટીના અવસાન અંગેની કોઇ નોંધ નથી. તેમજ જે ટ્રસ્ટીઓ ન હોય તેઓની સહીથી આવા ઓડિટ રીપોર્ટ રજૂ થયા છે.