જનરલ મિટીંગમાં સમાજના સભ્યો દ્વારા ઓડિટ કરેલા હિસાબોની માંગણી કરવામાં આવી પરંતુ હિસાબો રજૂ ન કર્યા
પ્રમુખે ઓડિટ રિપોર્ટ જાહેર કર્યા વગર જ ચૂંટણી જાહેર કરી દીધી: ગુજરાત વક્ફ બોર્ડે ટ્રસ્ટીઓને નોટિસ ફટકારી પરંતુ તેઓ હાજર ન રહ્યા
- Advertisement -
ટ્રસ્ટના કેટલાક આગેવાનોએ વક્ફ બોર્ડને ટ્રસ્ટમાં બની બેઠેલા ટ્રસ્ટીઓને હોદ્દા પરથી હટાવવા માગ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કરીમપુરા મેમણ જમાત ટ્રસ્ટમાં થયેલા ભ્રષ્ટાચાર તેમજ ગેરકાયદે રીતે યોજાયેલી ચૂંટણી રદ કરવા અંગે મેમણ જમાતના આગેવાનો દ્વારા ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ સમક્ષ રૂબરૂ લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ તા. 22-08-2022 થી 31-08-2025 દરમિયાન હાજી મોસીન ગફાર મોટલાણી ટ્રસ્ટના પ્રમુખ પદે કાર્યરત હતા. તેમના કાર્યકાળ દરમિયાન તા. 31-08-2025ના રોજ બોલાવવામાં આવેલી જનરલ મિટીંગમાં સમાજના સભ્યો દ્વારા ઓડિટ કરેલા હિસાબોની માંગણી કરવામાં આવી હતી. પરંતુ હિસાબ રજૂ કરવામાં આવ્યા ન હતા. ટ્રસ્ટના બંધારણ મુજબ હિસાબ રજૂ થયા બાદ જ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની જોગવાઈ હોવા છતાં તા. 12-10-2025ના રોજ ફરીથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું આક્ષેપ કરાયો છે.
આ ચૂંટણી ટ્રસ્ટના બંધારણ મુજબ નહીં તેમજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડની મંજૂરી લીધા વિના યોજવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. વધુમાં છેલ્લા 10 વર્ષનો ઓડિટ રિપોર્ટ વક્ફ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યો નથી તેમજ ટ્રસ્ટના હિસાબો યોગ્ય રીતે રાખવામાં આવતા ન હોવાનું પણ બહાર આવ્યું છે. ટ્રસ્ટનું હિસાબી વર્ષ એપ્રિલથી માર્ચ હોવા છતાં તેની પાલના કરવામાં આવી નથી.
આ તમામ મુદ્દાઓને લઈ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડમાં રજૂઆત થતા ટ્રસ્ટના બની બેઠેલા આગેવાનોને નોટિસો પાઠવવામાં આવી હતી. વક્ફ બોર્ડ દ્વારા તા. 10-12-2025ના રોજ હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ હાજર રહ્યું ન હતું. ત્યારબાદ ફરીથી વકફ બોર્ડ દ્વારા તા. 30-12-2025ના રોજ હાજર રહેવા નોટિસ જારી કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ વક્ફ સંસ્થામાં ફેરફાર રીપોર્ટ નં. 129/82 તા. 06/08/1982 બાદ આજદિન સુધી કોઈપણ પ્રકારનો ફેરફાર રીપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી અને ગેરકાયદેસર વ્યક્તિઓ દ્વારા સંસ્થાનો કબજો કરી લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
વક્ફ સંસ્થાની દર્શાવેલ મિલકતો માટે વક્ફ લીઝ નિયમો મુજબ કોઈ ભાડા કરાર કરવામાં આવ્યા નથી તેમજ કોઈ ભાડાની જાહેરખબર પણ કરવામાં આવી નથી. વકફ એક્ટ મુજબ જનરલ સભામાં હિસાબ કિતાબ રજૂ કરવો ફરજિયાત હોવા છતાં આજ દિન સુધી કોઈ હિસાબ જાહેર કરવામાં આવ્યો નથી.
આ મામલે મોસીન રફીકભાઈ આકબાણી, અસ્લમભાઈ જરીવાલા, ઈમરાન કામદાર, જાહીદ મજીદભાઈ ચામડીયા, સરફરાજ સીદીકભાઈ ફુફાર, મહમ્મદ સોયબ હનીફભાઈ નાગરીયા, રફીકભાઈ પુંજાણી અને અનશભાઈ જવેરી દ્વારા ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડમાં લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે.
- Advertisement -
હિસાબની માંગણી કરતા સભ્યોને ધમકીઓ અપાતી હોવાના આક્ષેપો
કરીમપુરા મેમલ જમાત ટ્રસ્ટમાં વ્યાપક ગેરરીતિ અને વક્ફ એક્ટના ઉલ્લંઘનના ગંભીર આક્ષેપો સાથે સંસ્થાના આજીવન સભ્યો દ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં લેખિત-મૌખિક રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ 1982 બાદ કોઈ ફેરફાર રિપોર્ટ ભરાયો નથી અને ગેરકાયદે કબજેદારો દ્વારા સંસ્થાનો કબજો લેવામાં આવ્યો છે. મિલકતો માટે કોઈ લીઝ કરાર કે ભાડાની જાહેરાત કરવામાં આવી નથી તેમજ હિસાબ, ઓડિટ રિપોર્ટ, વકફ ફાળો અને ઇન્કમટેક્સ રિટર્ન આજદિન સુધી જાહેર કરવામાં આવ્યા નથી. બાંધકામ માટે ટેન્ડર, મંજૂરી કે હિસાબ પણ રજૂ કરવામાં આવ્યા ન હોવાનું જણાવાયું છે. હિસાબની માંગણી કરતા સભ્યોને ધમકીઓ અપાતી હોવાના આક્ષેપો પણ થયા છે. મામલે વક્ફ બોર્ડ સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.



