પીઠડીયા, સેલુકા, થોરાળા ગામની ગૌચર તેમજ સરકારી ખરાબાની જમીન પર કોની મેલી નજર ?
જાગૃત લોકોએ મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેકટર રાજકોટ, ખાણ ખનીજ અધિકારી અને નાયબ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર પાસે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ જેતપુર સિક્સલેન હાઇવે બનાવવાનું કામ ચાલુ છે, નેશનલ હાઈવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવા માટે રોડ કામમાં ભરતી ભરવા માટે અનેક જગ્યાએથી માટી ઉપાડવામાં આવે છે. ત્યારે યાત્રાધામ વીરપુર પાસે આ સિક્સલેન હાઇવે માટે માટી ઉપાડવા માટે મસ મોટું કૌભાંડ સામે આવ્યું છે. વીરપુર તેમજ આજુબાજુના પીઠડીયા, સેલુકા, થોરાળા સહીત ગામની ગૌચર તેમજ સરકારી ખરાબાની જમીનમાંથી રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે. ખાનગી કંપનીએ આ રોડ માટે માટી ઉપાડવાનું કામ રાખવામાં આવ્યું છે, જ્યારે આ કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા વિરપુર ગ્રામપંચાયતમાંથી કે કોઈ પણ પ્રકારનો ઠરાવ કે મંજૂરી નથી તેમજ કોઈપણ રોયલટી વગર જ બારોબાર ખનીજ ચોરી કરી ગેરકાયદેસર વિરપુર સિમ વિસ્તારોમાં કુદરતી નદીઓ અને ડુંગરા-ટેકરા ખોદીને માટી ઉપાડી રહ્યા છે.
જેમને લઈને જે જગાએ ખનીજ ચોરી કરી રહ્યા છે તે જમીનોમાં મસમોટા ખાડા પડી ગયા છે. જે મોટા ખાડાઓમાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ભરાતું હોવાથી નીચેના ભાગમાં આવેલા ખેડૂતોના ખેતરોની જમીન રેસકાઈ જાય છે અને જમીનમાં નુકશાન થાય છે અને પાક પણ નિષ્ફળ જઈ રહ્યા છે.
આ અંગે વિરપુર ગામના રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય ચેરમેન તેમજ જાગૃત લોકો તેમજ ખેડૂતો દ્વારા રાજકોટ ડી.ડી.ઓ.ને તેમજ જેતપુર તાલુકા ગ્રામ્ય મામલતદારને અને ડેપ્યુટી કલેક્ટર સહિત મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને ફરિયાદ કરી છે કે, વિરપુર તેમજ આજુબાજુના ગામના અનેક વિસ્તારોમાં રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારી ખરાબાઓ તેમજ ગૌચરની જમીનો ઉપર બેફામ થતી ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવામાં આવે અને ખાણ ખનીજ ખાતાના ઇન્સ્પેકટરોને તથા સર્વેયરોને બોલાવી ખોદાયેલી ખનીજની કિંમત નક્કી કરી દંડ આપવા. તથા વિના મંજુરીએ સરકારી જમીનમાં પ્રવેશ કરી સરકારી ખનીજ ચોરી જવા બદલ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ દાખલ કરી, હાલ તાત્કાલિક ખનીજચોરી બંધ કરાવી વાહનો મશીનરીઓ જપ્ત કરવા હુકમ કરવા કાર્યવાહી કરવામાં આવે. તેમજ ખેડૂતોના ખેતરોમાં નુકશાન ન થાય એ માટે ખનીજ વિભાગ અને તંત્ર દ્વારા ખનિજચોરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરે તેવી જાગૃત લોકોમાં માંગ ઉઠવા પામી છે.