કાગળો પર પ્લોટની જાહેર હરાજી કરી લાગતા વળગતાએ પ્લોટ ખરીદી લીધા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
ચૂડા તાલુકાના સોનઠા ગામે ગામતળ પ્લોટ વેચાણ કરવામાં મસમોટું કૌભાંડ હોવાના આક્ષેપ કરાયા છે જેમાં સોનઠા ગામે સર્વે નંબર 983 વળી જમીન પર કુલ 47 પ્લોટો પાડી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઘરનું ઘર મળે તે માટે પ્લોટોની જાહેર હરાજીની મંજૂરી લેવામાં આવી હતી પરંતુ ગામના સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સભ્ય સહિતના હોદેદારો દ્વારા માત્ર કાગળો પર હરાજી દર્શાવી ખાનગી રીતે પ્લોટની વહેંચણી કરી લીધી હતી અને આ ગામતળના પ્લોટને માત્ર 80થી 85 હજાર રૂપિયામાં ખરીદી કરી મસમોટું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરાયો છે આ સાથે ગ્રામપંચાયતના સરપંચ તથા સભ્યો અને તાલુકા પંચાયત સભ્ય સહિતનાઓ લગતા વળગતા સ્નેહીજનોના નામે પ્લોટની ખરીદી કરવામાં આવી છે જ્યારે આ અંગે તાલુકા વિકાસ અધિકારીને તુરંત જાણ કરવા છતાં પણ તાત્કાલિક ખાનગી હરાજી કરેલ પ્લોટ ખરીદનારને પ્લોટ ફાળવી દીધેલ હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ આખાય કૌભાંડને ઉજાગર કરી સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતા ફાળવેલ પ્લોટને રદ કરી કૌભાંડ આચરનાર અધિકારીઓ અને પદાધિકારી પર શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરી છે.



