રાજકોટ પૂર્વ મત વિસ્તારમાં ઉદય કાનગડના સમર્થનમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની જંગી જાહેરસભા
ગુજરાતીઓ આપ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાની પરંપરાને આગળ વધારશે : જે.પી. નડ્ડા
- Advertisement -
ઉદયભાઈ કાનગડને ખોબલે-ખોબલે મત આપી વિજયી બનાવવા, ભાજપને મત આપવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની મતદાતાઓને અપીલ
એક તરફ વિકાસનું પ્રણેતા ભાજપ છે, બીજી તરફ વિકાસનું વિરોધી વિપક્ષ છે : વિજયભાઈ રુપાણી
રાજકોટ પૂર્વ વિધાનસભા-68માં પાણીના ઘોડા પાસે પેડકરોડ પર હજારો લોકોની ઉપસ્થિતિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જંગી જાહેર સભાને સંબોધન કરતા ભાજપને મત એટલે વિકાસને મત એવો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકશાહીના આ સૌથી મોટા પર્વમાં જો બટન સાચી જગ્યાએ દબાય તો વિકાસ થાય છે પરંતુ જો બટન ખોટી જગ્યાએ દબાય જાય તો તે વિનાશ નોતરે છે. તેમને પોતાના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે શરુ કરેલી વિવિધ યોજનાઓનો લાભ લાભાથીર્રઓ સુધી પહોંચી રહ્યો છે તે વિશે જણાવતા કહ્યું હતું કે, નવા ભારતની ગંગોત્રી ગુજરાત છે. કેન્દ્ર સરકારે ગુજરાતને અનેક ભેટ આપી છે. એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, ગિફ્ટ સિટી સહિતની મોટી ભેટ રાજકોટને મળી છે. ગરીબોને અનાજ, જનધન ખાતા,ખેડૂતોને સહાય સહિત અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે.
- Advertisement -
રાજકોટવાસીઓનો પ્રેમ અને ઉત્સાહ જોઈને જે.પી. નડ્ડા ગદગદીત થઈ ગયા હતા. પ્રારંભિક પ્રવચનમાં તેમણે ડીબીટી ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, સ્વચ્છ ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, કિસાન સન્માન નીધિ સહિતની કેન્દ્રએ શરુ કરેલી યોજનાઓ વિષે માહિતી આપી હતી અને ગુજરાતમાં મોટી સંખ્યામાં તેનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, જવાહરલાલ નહેરુએ દેશમાં એક એઈમ્સ શરુ કરી હતી, ત્યારબાદ અટલ બિહારી વાજપાઈના સમયમાં છ એઈમ્સ શરુ થઈ હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન રાજકોટ સહિત કુલ 11 એઈમ્સ શરુ થઈ છે. આ જ રીતે દેશમાં મેડીકલ કોલેજની સંખ્યા પણ વધારવામાં આવી છે. ગુજરાતમાં ગિફટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા આકર્ષણો પણ આપવામાં આવ્યા છે. નર્મદા યોજના અને સૌની યોજના પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આભારી છે. મોઢેરામાં દેશનું પહેલુ સોલાર સિટી બન્યું છે તો વડોદરામાં વિમાન બનાવવાના યુનિટ ઉભા કરવામાં આવ્યા છે. આમ કેન્દ્ર સરકારે ગુજરાતને વિકાસની અનેક યોજનાઓ આપી છે.
જેપી નડ્ડાએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ મગરના આંસુ સારી રહ્યા છે પરંતુ તેમના ઈરાદાઓ દેશવાસીઓની સામે છે. વિર સાવરકર વિષે એલફેલ બોલનાર રાહુલ ગાંધી ભારતને જોડવા નીકળા છે કે તોડવા એ ખબર પડતી નથી. આખો દેશ જાણે છે જેએનયુમાં ટુકડે-ટુકડે ગેંગ દ્વારા દેશ વિરોધી સુત્રો પોકારવામાં આવ્યા હતા અને આ ગેંગને સમર્થન આપનારા લોકો આજે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે. ગુજરાત ભાજપના નેતાઓ જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે નર્મદા ડેમ પર પાટિયા મુકવા માટે પરવાનગી માંગી રહ્યા હતા. પરંતુ કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકાર કંઈ જ કરવા માગતી ન હતી મનમોહનસિંહ કંઈ જાણતા ન હોય તે રીતે કંઈ બોલવા તૈયાર ન હતા.
ગુજરાતમાં શિક્ષણ મોડેલની વાતો કરનારા આપના નેતાઓ દિલ્હીમાં ગોટાળા મોડેલનો અનુભવ કરાવી રહ્યા છે. શરાબ કૌભાંડમાં તેના અનેક નેતાઓને છાંટા ઉડ્યા છે. આમ આદમી પાર્ટી જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં એવો માહોલ ઊભો કરી દે છે કે જાણે તે રાજ્યમાં બીજું કોઈ રાજકીય પાર્ટી જ ન હોય ઉત્તર પ્રદેશમાં પણ તેમણે આવો માહોલ ઊભો કર્યો હતો અને પછી મોટાભાગની સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ ભૂલ થઈ ઉત્તરાખંડમાં પણ આ જ થયું હતું અને હિમાચલમાં પણ આ જ થશે હું ગુજરાતના લોકોને અપીલ કરું છું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાની પરંપરા ચાલુ રહે તેવું મતદાન કરે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉદયભાઈ કાનગડથી લઈ તમામ ભાજપ ઉમેદવારોને મત અપાવી ભાજપને વિજેતા બનાવે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ કહ્યું હતું કે, આવનારી ચૂંટણી ગુજરાતના વિકાસને વધુ આગળ લઈ જવા માટે લડવામાં આવી રહી છે. દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે એટલે ગુજરાત માટે તો મોસાળે જમણ અને મા પીરસનાર હોય તેવી સ્થિતિ છે. ગુજરાતે માગ્યુ તે પૂર્વે જ દિલ્હીએ ઘણું આપી દીધું છે. તેમણે ઉમેર્યું હતું કે એક તરફ ગુજરાતને વિકાસની ટોચ પર લઈ જનારા લોકો છે જ્યારે સામી બાજુ ગુજરાતના વિકાસના વિરોધીઓ છે. પ્રજાએ આ બંને વચ્ચેનો ફરક સમજીને મતદાન કરવાનું છે.
આ જાહેરસભાને રાજકોટ-68ના ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડે સંબોધતા કહ્યું હતું કે, આ વખતની ચૂંટણી ઐતિહાસિક છે કારણ કે કેટલીક તાકાતો દેશ અને ગુજરાતની વિરુધ્ધમાં છે અને વિકાસમાં રોડા નાખી રહી છે. આવા લોકો ક્યારેય સફળ થવાના નથી. આજે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આપણને સૌને માર્ગદર્શન આપવા આવ્યા છે ત્યારે તેમની ઉપસ્થિતિમાં પક્ષના સંગઠનમાં નવી તાકાત જોવા મળી છે.
આ જાહેરસભામાં ભાજપના શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજ્યના મંત્રી અને રાજકોટ-68ના વર્તમાન ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા, ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં. 4 ભગવતીપરા ખાતે ઉદયભાઈ કાનગડના ચૂંટણી કાર્યાલયનું દબદબાભેર ઉદ્દઘાટન
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ પૂર્વ વિધાનસભા-68ના ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડના ચૂંટણી કાર્યાલયનું વોર્ડ નં. 4 ભગવતીપરા ખાતે દબાદબાભેર ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ઉદયભાઈ કાનગડે 220 ફલેટની આવાસ યોજના, તૈયાર થઇ રહેલી સૌરાષ્ટ્રની મોટી હાઇસ્કૂલ તેમજ ભગવતીપરા ઓવરબ્રીજ જેવા વિકાસ કાર્યોને યાદ કરતા જ ભારત માતા કી જય તેમજ ભાજપ…ભાજપ…ના ગગનભેદી નારાઓ દ્વારા લોકોએ ઉદયભાઈ કાનગડને વધાવ્યા હતા. ઉદયભાઈએ એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટ પૂર્વમાં આવેલા સામાકાંઠા વિસ્તારનો સર્વાંગી વિકાસ મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણી, વિધાનસભા ઇન્ચાર્જ કિશોરભાઈ રાઠોડ, દિપકભાઈ પનારા, કોર્પોરેટર કાળુભાઈ કુંગશિયા, પી.ડી. પીપળીયા, પાર્ટીના હોદેદારો, કાર્યકરો, સમાજ શ્રેષ્ઠીઓ વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા