ખાસ-ખબર સંવાદદાતા
થોડા સમયથી યુવાન લોકોમાં પણ હાર્ટ એટેકના બનાવો બનતા જોવા મળે છે, સ્કૂલના બાળકો ચાલુ કાર્યક્રમમાં અથવા ગરબાની પ્રેક્ટિસ કરતા ખેલૈયાઓને પણ હૃદયરોગના હુમલા આવ્યાના બનાવો સામે આવ્યા છે. જુદી જુદી જગ્યાએ ગરબા ક્લાસમાં બનેલા હાર્ટ એટેકના બનાવોને ગંભીરતાથી લઈ પોરબંદરના તમામ નવરાત્રી આયોજકોને સી પી આર અને પ્રાથમિક સારવારની તાલીમ આપવા પોરબંદર રેડક્રોસ અને સરકારી મેડિકલ કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેથી આ તાલીમ લીધેલ વ્યક્તિ કોઈનો જીવ બચાવવામાં મદદરૂપ થઇ શકે. મેડિકલ કોલેજ ખાતે આયોજિત આ ટ્રેનિંગમાં પોરબંદરની નાની મોટી તમામ નવરાત્રીના આયોજકો અને જાગૃત લોકોએ લાભ લીધો હતો. આ તાલીમને સફળ બનાવવા મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલકુમાર, પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયા, સેક્રેટરી અકબર સોરઠીયા, ઉપપ્રમુખ અરવિંદ રાજ્યગુરુ અને પોરબંદર રેડક્રોસના સભ્યો તથા મેડીકલ કોલેજના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.