જગતમાં સુખી થવું હોય તો અહંકારનો ત્યાગ કરો. અહંકાર એટલે રાવણના અભિમાન જેવા અહંકારની વાત નથી. દરેક મનુષ્યમાં એક સૂક્ષ્મ ‘ઈગો’ રહેલો હોય છે. પોતાના મતાગ્રહો હોય છે, હઠાગ્રહો હોય છે, જીદ હોય છે. આ બધાનો જન્મ અહંકારની કુખમાંથી થાય છે. હું કહું એમ કેમ ન થાય? હું ઇચ્છું એ મને કેમ ન મળે? આપણે ભૂલી જઈએ છીએ કે આ વિશ્વમાં બીજા સાત અબજ જેટલા મનુષ્યો જીવે છે. અંતે તો એ થવાનું છે જે ‘શિવતત્ત્વ’ અને ‘શકિતત્ત્વ’ ઈચ્છે છે. આપણે તો એના હાથના રમકડાં છીએ. કોઈ પણ વસ્તુની ઈચ્છા કરવી એ ખોટું નથી, પણ એના માટે હઠાગ્રહ રાખવો એ દુ:ખનું મૂળ છે. ઘણા મનુષ્યો એવું માનતા હોય છે કે એમના મનની અંદર ચાલતા વિચારો બહાર કોઈને દેખાતા નથી, પરંતુ હકીકતમાં એવું નથી. તમારા હઠાગ્રહો, અનુગ્રહો, અધિગ્રહો, પૂર્વગ્રહો આ બધું તમારી શારીરિક ભાષા એટલે કે ‘બોડી લેંગ્વેજ’ દ્વારા અને તમારી આંખોમાં ઊમટતા ભાવપલટા દ્વારા વ્યક્ત થયા વગર રહેતા નથી. ખૂબ ખરાબ વિચાર કરતા માણસનો ચહેરો અને આંખ વિકૃત બની જાય છે. તદ્દન સરળ અને કપટરહિત પ્રકૃતિના માણસની આંખ નિર્મળ હોય છે. ચહેરા પર એક પ્રકારની પવિત્રતા ઝળકતી હોય છે. આપણે અહંકારરહિત, હઠાગ્રહરહિત બનવાનો પ્રયત્ન કરીએ. ધીમે ધીમે અવશ્ય સફળતા મળશે. સિદ્ધ મહાત્માઓ કહી ગયા છે કે તમામ પ્રકારનાં દુન્યવી સુખો ક્ષણિક છે અને નાશવંત છે. ધારો કે પંદર દિવસ પહેલાં તમે કોઈ મિત્રના ઘરે ભોજન માટે ગયા હતા ત્યારે સાત વાડકા ફ્રૂટ સલાડ અથવા તો વીસ જેટલાં ગુલાબજાંબુ આરોગ્યાં હતાં, એ વખતે તમને સ્વાદનો સંતોષ અને પરમતૃપ્તિનો ઓડકાર પણ આવી ગયો હતો. ધારો કે તમારી વ્યસ્તતાનાં કારણે આજે બપોરના બે વાગ્યા સુધી તમને ભોજન મળ્યું નથી, તો તમારા પેટમાં ભૂખનાં કારણે આગ લાગશે કે નહીં? આજે તમને પંદર દિવસ પહેલાં ખાધેલાં ભરપેટ ભોજનનો ઓડકાર ખપમાં આવશે ખરો? પંદર દિવસ તો બહુ દૂરની વાત છે, ગઈ કાલે માણેલું ભોજન પણ આજે કામમાં આવતું નથી. આવું જ તમામ સુખોનું છે. હરવું, ફરવું, સામાજિક પ્રસંગો માણવા, મિત્રો સાથે ગપ્પાં મારવાં, પ્રવાસો કરવાં, શરીર સુખ ભોગવવું આ બધું ક્ષણિક છે. એમાંથી જન્મતો આનંદ અસ્થાયી છે. રોજ સવારે એક ચિત્તે કરેલું ‘મેડિટેશન’ અને મનમાં અવિરત ચાલતું ’નામ સ્મરણ’ તમને જે આનંદ આપશે, જે સુખ આપશે, જે સંતોષ આપશે તેનો ઓડકાર શાશ્વત રહેશે. તે સુખ સ્થાયી છે. એટલે જ આત્માનાં સુખને સત, ચિત, આનંદ કહેવાય છે.
Follow US
Find US on Social Medias