‘રાષ્ટ્ર નિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પર બે દિવસીય સમારોહ યોજાશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિ
વૈદિક જ્ઞાનના પ્રસાર માટે યુનિવર્સિટી કેમ્પસમાં ‘મહર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત ભવન અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી 12 અને 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ ‘રાષ્ટ્ર નિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પર બે દિવસીય ભવ્ય અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારોહના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ રૂપે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.
આ ઐતિહાસિક પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ જોશી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે. મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારો અને વૈદિક જ્ઞાનના પ્રસાર માટે યુનિવર્સિટી કેમ્પસમાં ‘મહર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્ર’ ની સ્થાપના કરવામાં આવશે. આ કેન્દ્ર માટે સ્ટાફ અને ગ્રાન્ટની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મદિવસ (12 ફેબ્રુઆરી) નિમિત્તે હવેથી પ્રતિવર્ષ આ સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજવાનું નક્કી કરાયું છે. સમારોહના અંતે ત્રિસ્તરીય શોધપત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા 1 થી 5 નંબરના સંશોધકોને કુલપતિશ્રી અને સંસ્કૃત બોર્ડના અધ્યક્ષના હસ્તે “મહર્ષિ દયાનંદ સરસ્વતી રાષ્ટ્રીય શોધપત્ર એવોર્ડ” એનાયત કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આ આયોજન માટે રૂ. 7 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.



