આજનો મોર્નિંગ મંત્ર
જીવનમાં કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે પ્રથમ વાર મળી છીએ ત્યારે આપણા મનની સપાટી સ્વચ્છ હોય છે, કોરી હોય છે. એ વ્યક્તિ વિશે આપણા મનમાં કોઈ છબી અંકાયેલી હોતી નથી.
- Advertisement -
એ જ વ્યક્તિને જ્યારે આપણે બીજી વાર મળીએ છીએ, ત્રીજી વાર મળીએ છીએ અને પછી વારંવાર મળીએ છીએ ત્યારે એની સાથેના આપણા ભૂતકાળના અનુભવને યાદ કરીને આપણે એને સારી, ખરાબ, પ્રેમાળ, કઠોર, દયાળુ, સંસ્કારી, અસંસ્કારી કે દુષ્ટ તરીકે ઓળખવા લાગીએ છીએ.
જે વ્યક્તિને આપણે સારી અથવા ખરાબ સમજી લઈએ છીએ તેના મૂળમાં આપણી યાદશક્તિ રહેલી છે. ભૂતકાળમાં એણે કરેલા વાણી-વર્તનને આપણે યાદ રાખીએ છીએ અને તેના આધારે તેની મુલવણી કરીએ છીએ. જે.કૃષ્ણમૂર્તિ કહેતા હતા કે આ યાદશક્તિ એ જ અહંકાર છે. કોઈ વ્યક્તિએ મારી સાથે સારૂં વર્તન કર્યું એટલે એ સારી હોવાનું હું સર્ટિફિકેટ આપી દઉં. કોઈ વ્યક્તિએ મારું અહિત કર્યું એટલે એ દુષ્ટ હોવાનું હું પ્રમાણિત કરી દઉં. ઈશ્વરે સર્જેલા માણસોને સારા કે ખરાબ હોવાનું પ્રમાણપત્ર આપનાર હું કોણ?
આ હું એટલે જ મારો ’અહમ્’. જો આ ’અહમ્’ને નષ્ટ કરી દઈએ તો બધા જ માણસો સારા અને એક સરખા બની જશે, કારણ કે આપણે તેને આપણા અનુભવો પરથી અને આપણી દૃષ્ટિથી મૂલવવાનું બંધ કરી દઈશું. બીજાને જોવાને બદલે હું કોણ છું અને હું કેવો છું એ જોવાનો પ્રયત્ન કરીએ.