નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલો માટે અપૂરતી સુવિધા, ઝડપી નિર્ણય માટે રાહ જોઈ રહેલા જુનિયર વકીલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ બાર એસો. દ્વારા માંગ કરાઈ છે કે, આગામી તા.20 જાન્યુઆરી સુધી તમામ કેસોને જે-તે સ્ટેજ પર જ રાખવા આ સાથે ડીસ્ટ્રીકટ જજને રજુઆત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, નવી કોર્ટમાં વકીલોના ટેબલ મુકવાને લઈ વિવાદ છેડાયો છે. જેથી જુનિયર વકીલો આ વિવાદનો ઝડપથી નિકાલ આવે તેની રાહ જોઈ રહ્યા છે.
રાજકોટ બાર એસો. દ્વારા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, વર્તમાનમાં નવી કોર્ટ બિલ્ડીંગમાં વકીલો માટે કોઈપણ બેઠક વ્યવસ્થા તથા કોઈ આનુસંગીક પ્રાથમીક સુવિધાઓ ઉપલબ્ધ નથી તથા વકીલો બેસીને અરજી લખી શકે તેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોય વકીલોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે તમામ સંજોગોથી તમામ ન્યાયમૂર્તિઓ પણ વાકેફ છે. ઉપરોકત અસાધારણ સંજોગોને ધ્યાને લઈ તા.20-1-24ના શનીવાર સુધી તમામ કોર્ટમાં તમામ કેસોની કાર્યવાહીમાં જે સ્ટેજ હોય તેની યથાવત પરીસ્થિતિ જાળવી રાખવા રાજકોટ બાદ એસોસીએશન દ્વારા આગ્રહ ભરી નમ્ર વિનંતી કરવામાં આવી છે.