પ્રજાના પ્રશ્ર્નોનું સરળતાથી નિરાકરણ આવે તેવા હેતુથી રાજ્ય સરકારનો નિર્ણય: રાજકોટ લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ખ્યાતનામ સિંગરોને બોલાવાશે
સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં 3 મહિના સુધી સિનિયર અધિકારી અધ્યક્ષ સ્થાને રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે મીડિયા સાથેની વાત કરતા જણાવ્યું હતું કે, લોકમેળા માટે પ્લાન-ઇ પણ તૈયાર છે નાની ચકરડી માટે ફોર્મ ઉપાડવાની મુદ્દતમાં વધારો કરાયો છે. લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ખ્યાતનામ સિંગરોને બોલાવીને લોકોને મનોરંજન પુરૂ પાડવામાં આવશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં પણ લોકમેળાનું આયોજન થઈ શકશે. જ્યારે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ બાબતે પ્રજાલક્ષી નિર્ણય લેવાયો છે. છેલ્લા એક વર્ષમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના કેસોને રિ-ઓપન કરવામાં આવશે. જ્યારે તાલુકા લેવલે થતા ફરિયાદ નિવારણ કાર્યક્રમોમાં હવેથી સિનિયર અધિકારી એટલે કે, કલેક્ટર, અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, એસપી, ડીડીઓ સહિતના અધ્યક્ષસ્થાને રહેશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં જમીન માપણી, લેન્ડ ગ્રેબિંગ, જાહેર રોડ પર દબાણ, વરસાદી પાણીના નિકાલ, મંડળીની જમીન બાબતે છેતરપિંડી અને જાહેર રસ્તાના સમારકામ વગેરે જેવા પ્રશ્ને રજુઆત થતી હોય છે. પીએમ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી એટલે કે, છેલ્લા 22 વર્ષથી સ્વાગત કાર્યક્રમ થકી પ્રજાના પ્રશ્નોનું સ્વાગત કરીને સત્વરે નિવારણ લાવી લોકાભિમુખ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દાયકામાં સ્વાગત ઓનલાઇન મારફતે અનેક લોકોના પ્રશ્નોનું સંતોષજનક રીતે નિરાકરણ આવ્યું છે. સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ આગામી સમયમાં પણ રાજ્યના નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટેનું માધ્યમ બની રહેશે તેવો વિશ્વાસ કલેક્ટર ડો.ઓમ પ્રકાશે વ્યકત કર્યો હતો. કલેક્ટરે રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે અંગે જણાવ્યું હતું કે, વીરપુર પાસે એક ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ચાલુ કરી દેવાયો હોવાનું કહ્યું હતું. આ સાથે ખૂબ જ ટૂંક સમયમાં ગોંડલ પાસેના નેશનલ હાઈવે પર બે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ જનાર હોવાનું અને ખુલ્લા મુકવામાં આવશે.