322 શહેરની 2025 હોસ્પિટલના ડેટાનો રિપોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
હૃદયના ધબકારામાં અસંતુલનની સ્થિતિ એટ્રિયલ ફાઇબ્રિલેશ અને એટ્રિયલ ફ્લટર દુનિયાના લગભગ 5.97 કરોડ લોકોને પ્રભાવિત કરે છે. હૃદયના ધબકારામાં અસમાનતા વધવાથી ગંભીર હૃદયરોગનો ખતરો રહે છે. વાયુ પ્રદૂષણ હૃદયરોગ માટે એક જોખમ છે. લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણમાં રહેવાથી એરિથેમિયા અને અનિયમિત હૃદયના ધબકારાનું જોખમ વધે છે. ચીનનાં 322 શહેરોમાં થયેલા રિસર્ચનું આ તારણ છે. સંશોધકોએ 2025 હોસ્પિટલના ડેટાનો ઉપયોગ કરીને આ રિસર્ચ હાથ ધર્યું હતું. સંશોધકોએ હોસ્પિટલની નજીકનાં સ્ટેશનોથી વાયુ પ્રદૂષણનું વિશ્લેષણ કર્યું હતું. શાંઘાઇની ફુડાન યુનિવર્સિટીના ડો. રેન્જી ચેને કહ્યું કે વાયુ પ્રદૂષણ સાથે સંપર્ક એરિથેમિયાના જોખમ સાથે જોડાયેલો છે. પ્રદૂષણના સંપર્કમાં આવતા જ કેટલાક કલાકમાં જોખમ જોવા મળ્યું હતું. 1,90,115 દર્દીઓ પર આ રિસર્ચ કરાયું હતું.
વાયુ પ્રદૂષણથી સરેરાશ આયુષ્ય 2.6 વર્ષ ઘટ્યું
ચીનના 140 કરોડ લોકો માટે શ્વાસ લેવો પણ જોખમભર્યું છે. વાયુ પ્રદૂષણથી ત્યાંના લોકોનું આયુષ્ય સરેરાશ 2.6 વર્ષ સુધી ઘટી રહ્યું છે. વાયુ પ્રદૂષણથી શ્વાસમાં તકલીફ, ગભરાટ, ઉધરસ, અસ્થમા અને હૃદયમાં દુખાવો થાય છે. સૌથી વધુ જોખમ ફેફસાં સાથે જોડાયેલું છે પરંતુ હૃદયને પણ અસર થાય છે.