કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને કલેક્ટર ડો. ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવરાત્રિના નવલા નોરતાના પર્વ નિમિત્તે ગઈકાલે આયોજિત અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવમાં ભક્તિ, સંગીત અને નૃત્યનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. રાસોત્સવ દરમિયાન એક દિવ્ય માહોલ સર્જાયો હતો, જ્યારે તમામ ખેલૈયાઓએ પોતાના મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને જગત જનની જગદંબાની મહાઆરતી કરી હતી, જેમાં સમાજના શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા. ત્યાર બાદ યોજાયેલા લેઝર શોને કારણે આકાશમાં રંગબેરંગી કિરણો પડતા અદભૂત દૃશ્ય ખીલી ઉઠ્યું હતું.
વિશાળ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ અલગ-અલગ ડ્રેસકોડ સાથે રાસ રમતા હતા, જેનાથી ગ્રાઉન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. છોકરીઓના રંગીન ચણિયાચોળી અને છોકરાઓના કેડિયું-કુર્તા પર લાઇટની ઝળહળતી કિરણો પડતા દૃશ્ય અદભૂત બની ગયું હતું. ગાયક કલાકારો અજય ગઢવી, રૂપાલી જાંબુચા, નિહાલ પિત્રોડા, અને વિજય બારોટે ખેલૈયાઓને મોડી રાત સુધી ડોલાવ્યા હતા. શુભ ઇવેન્ટ્સના ખ્યાતનામ આશિષ કોટક તથા કવિતા કોટકનું ઓર્કેસ્ટ્રા તથા અદ્યતન ગણેશ સાઉન્ડ હાઈટેક સાઉન્ડ સિસ્ટમથી ખેલૈયાઓ આફરીન થયા હતા અને મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા.
ખેલૈયાઓએ છલડો, ડાકલા, ભક્તિ, વંદે માતરમની છલકાતી પ્રાચીન-અર્વાચીન ગરબા ગીતો અને માતાજીના ડાક-ડમરુની ધૂન પર મન મૂકીને ખેલ્યા હતા. આ રાસોત્સવની શોભા વધારવા માટે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાજકોટ કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ, ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ કિશનભાઈ ટીલવા, અતુલભાઈ કારીયા, અમિતભાઈ રૂપારેલીયા, પ્રિયંકભાઈ કારીયા વગેરે રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજક ટીમને બિરદાવી હતી. અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ-2025ના સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, શૈલેષભાઈ પાબારી, ધર્મેશભાઈ વંસત સહિત યુવાનો અને મહિલાઓની વિશાળ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. વિશેષ માહિતી માટે મો. 87244 9939 પર સંપર્ક કરવા જણાવાયું છે.