રાજકોટ શહેરમાં ગત શનિવાર મધરાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદ અને આજી ડેમ ઓવરફ્લો થતાં આજીનદીમાં ઘોડાપૂર આવ્યા છે. રામનાથપરા પોલીસલાઇનથી ચુનારાવાડ તરફ જતા પુલ પરની લોખંડની રેલિંગ પાણીના પ્રવાહમાં ઊખડી ગઇ હતી અને પુલ પરથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
રામનાથદાદા અડીખમ
રાજકોટ શહેરમાં આજી નદીના કાંઠે પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર સદીઓથી રાજકોટવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે. 7 વર્ષ પહેલાં યાત્રાધામ વિકાસ બોર્ડે આ સ્થળનો જીર્ણોદ્ધાર કરવાનું કામ ઉપાડ્યું હતું પણ વિકાસ યાત્રાધામનો નહિ પણ તેના પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનો જ થયો હતો. પાંચ કરોડ રૂપિયા વાપરી નાખ્યા બાદ પણ રામનાથ મહાદેવ મંદિરમાં કામ થયું ન હતું અને હજુ પણ પૂરના પાણી મંદિરમાં ઘૂસી રહ્યા છે. બોર્ડ બાદ આ સ્થળ પર વિકાસ કરવાની જવાબદારી મનપાને સોંપાઇ હતી. મનપાએ ડિમોલિશન કરીને ત્યાં પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરી.
- Advertisement -
ત્યારબાદ રિવરફ્રન્ટ ત્યાં બનાવવા 187 કરોડ મંજૂર કરાવ્યા અને મંદિરની આસપાસ કેનાલ ખોદી પાણી ન ભરાય તેવી ડંફાસ હાકી હતી. જોકે એ ખર્ચ પણ નઠારો નીવડ્યો હતો. મંદિરના પરિસરમાં પાણી ઘૂસી ગયા અને ગંદકી પણ આવી ગઈ હતી. પાર્કિંગ માટેના સિમેન્ટના બાંધકામ ઊખડી ગયા હતા. આ રીતે તંત્રએ કરોડો રૂપિયા પાણીમાં નાખી દીધા છે પણ એ વસ્તુ નથી સમજતા કે આ મંદિર સદીઓથી ત્યાં જ અડીખમ છે જો નીતિથી કામ કરવામાં આવે તો આ આસ્થાનું કેન્દ્ર યોગ્ય રીતે વિકસી શકે છે પણ દાનતનો અભાવ અને નિયતની ખોટથી કરાયેલો ખર્ચ પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જાય છે.