ટર્મિનલ, એ.ટી.સી. બિલ્ડિંગ, ફાયરસ્ટેશન સહિતની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ
એરપોર્ટનો 2700
મીટરનો રન-વે
ટેકઓફ માટે તૈયાર
ખાસ-ખબર સંવાદદાતા
એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવકુમાર રાજકોટ સ્થિત હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની મુલાકાતે પહોંચ્યા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે તેમણે ટર્મિનલ બિલ્ડિંગ, એ.ટી.સી. ટાવર, ફાયર સ્ટેશન રન-વે સહિત વિવિધ સ્થળની સાઈટ વિઝિટ લઈને પ્રગતિ હેઠળની કામગીરીને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. ચેરમેન સમક્ષ એરપોર્ટની કામગીરીનો પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાયો હતો.
સંજીવકુમાર તેમજ દિલ્હીથી પધારેલા પ્લાનિંગ મેનેજર અનિલકુમાર પાઠકે તમામ એજન્સીઓ સાથે વાર્તાલાપ કરીને તેમને પડતી મુશ્કેલીઓ જાણી તમામ બાબતોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવી વહિવટી તંત્રના સંકલનમાં રહીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
એરપોર્ટ ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજર લોકનાથના જણાવ્યા મુજબ હાલ રન-વેની 2700 મીટરની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. બાઉન્ડ્રી વોલની કામગીરી પૂર્ણતાના આરે છે. બોક્સ કલ્વર્ટની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. કલેકટર અરૂણ મહેશ બાબુએ વહિવટી તંત્ર દ્વારા સ્થળાંતર સંબંધી તમામ કામગીરીનું નિરાકરણ આવી ગયાનું ચેરમેનને જણાવ્યું હતું. બેઠકમાં જમીન સંપાદન વિભાગના અધિકારીઓએ જમીન સંપાદનની માહિતી પૂરી પાડી હતી. આ તકે નાયબ કલેકટર દેસાઈ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ વહિવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.