રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વખત લોકોએ દિલધડક સૂર્યકિરણ એર શો નિહાળ્યો
અટલ સરોવર અને સ્માર્ટ સિટીના 4 કિ.મી. વિસ્તારમાં લાખો લોકો એર શૉ નિહાળી રોમાંચિત થયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં પ્રથમ વખત એર શોને લઈને સમગ્ર શહેરમાં ભારે રોમાંચ હતો. પ્રેક્ટિસમાં પણ હજારોની મેદની ઊમટી હતી જ્યારે રવિવારના એર શોમાં તો હજારો વાહનો સાથે લાખો લોકો ઊમટી પડ્યા હતા. સ્માર્ટ સિટી વિસ્તાર શરૂ થાય ત્યારથી જ લોકોએ જ્યાં જગ્યા મળી ત્યાં વાહનો રાખી પરિવાર સાથે ગોઠવાઈ જઈ હવાઈ કરતબ નિહાળવા તત્પર બન્યા હતા. સવારે 10 વાગ્યાનો સમય હતો પણ લોકો પાથરણા લઈને પરિવાર સાથે પિકનિક બનાવવાના આશય સાથે આવ્યા હોવાથી 8 વાગ્યાથી જ ભીડ થવા લાગી હતી. અટલ સરોવર અને સ્માર્ટ સિટી વિસ્તારને ચારે બાજુ જનમેદનીથી હકડેઠઠ ભરાઈ હતી. લોકો આકાશ તરફ જ નિહાળી રહ્યા હતા તેવામાં આકાશગંગાની ટીમ શહેરથી 8000 ફૂટની ઊંચાઈએથી સ્કાય ડાઇવિંગ કરીને અટલ સરોવરમાં ઉત્તરાણ કરતા લોકો રોમાંચિત થયા હતા. ત્યારબાદ ગરુડ કમાન્ડોની ટીમ હેલિકોપ્ટર લઈને આવી હતી અને જવાનોને એરલિફ્ટ કરવાની સાહસિક કવાયત પણ કરી હતી. ત્યારબાદ રાજકોટનું આકાશ 9 ફાઇટર જેટની ગર્જનાથી ગુંજ્યું હતું. સૂર્યકિરણ એરોબેટિક ટીમ આવતા જ વિસ્તાર ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. ટીમે શક્ય એટલી ઓછી ઉંચાઇએ ઉડાન કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તિરંગાનું ફોર્મેશન કર્યું તેમજ જેટ ઉંધા ચલાવી ડાઇવ કરાવીને અવનવા સ્ટંટ કર્યા હતા. તેમજ આકાશમાં વિશાળ હાર્ટની કૃતિ રચીને લોકોના દિલ જીતી લીધા હતા.
રાજકોટ શહેરના દરેક ખૂણામાં ફાઇટર જેટ જોવા મળ્યા
- Advertisement -
ફાઇટર જેટ જામનગર એર સ્ટ્રિપથી ટેકઓફ કરીને આવ્યા હતા. અટલ સરોવર ફાઇટર જેટ પહોંચ્યા ત્યારબાદ સ્ટંટ કરવા માટે તે અલગ અલગ દિશામાં જતા હતા અને એટલે જ રાજકોટના દરેક ખૂણામાં ઓછામાં ઓછી એક વખત ફાઇટર જેટ જોવા મળ્યા હતા.



