2024માં 16715 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેમાં વિલંબ, રદ્દ, ચેક – ઇન વગેરેની સમસ્યાઓ હતી
દેશમાં હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ મુસાફરોને પણ વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલાં આંકડા મુજબ, મુસાફરોએ વર્ષ 2024માં હવાઈ મુસાફરી સંબંધિત 16715 વિવિધ ફરિયાદો નોંધાવી હતી.
- Advertisement -
આ ફરિયાદોમાં ફ્લાઇટ્સમાં વિલંબ, ફ્લાઇટ્સ રદ થવી, ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓમાં અવરોધો, સલામતી તપાસ, નબળી અને તૂટેલી સીટો અને ટેકનીકલ ભૂલો માટે મુસાફરોએ સૌથી વધુ ફરિયાદો નોંધાવી હતી.
ગયાં વર્ષની મુખ્ય ફરીયાદો
1. વિલંબ અને રદ ફ્લાઇટ
ફેબ્રુઆરી :- જયપુર એરપોર્ટ પર મુંબઇ જવાની એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ઉપરાંત, દિલ્હીની બે ફ્લાઇટ્સ જયપુર તરફ વાળવામાં આવી હતી, જેનાં કારણે મુસાફરોને અસુવિધા થઈ હતી.
ડિસેમ્બર : ઈન્ડિગોએ અચાનક તેમની બે ફ્લાઇટ્સ રદ કરતાં આશરે 400 ભારતીય મુસાફરો ઇસ્તંબુલ એરપોર્ટ પર ફસાયા હતાં. આ મુસાફરો 12 ડિસેમ્બરથી એરપોર્ટ પર ફસાયેલાં હતાં.
- Advertisement -
નવેમ્બર-ડિસેમ્બર : વિમાનની અછતને કારણે એર ઇન્ડિયાએ ભારત-યુએસ માર્ગ પર 60 જેટલી ફ્લાઇટ્સ રદ કરી હતી. આમાં સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, વોશિંગ્ટન, નેવાડા અને ન્યુયોર્ક માટેની ફ્લાઇટો શામેલ હતી.
2. ખરાબ એ.સી. :
મે : દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો સુધીના એર ઇન્ડિયાના વિમાનમાં, મુસાફરોએ એસી વિના ઘણાં કલાકો સુધી બેસવું પડ્યું, જેનાથી કેટલાક મુસાફરોના સ્વાસ્થ્ય પણ બગડ્યાં હતાં.
જૂન : દિલ્હીથી દરભંગા સુધીના સ્પાઇસજેટ વિમાનમાં બોર્ડિંગ દરમિયાન એસી બંધ કરવામાં આવ્યાં હતાં, જેનાં કારણે મુસાફરોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક મુસાફરોનું સ્વાસ્થ્ય પણ બગડ્યું હતું.
સપ્ટેમ્બર : દિલ્હીથી વારાણસી સુધીના ઈન્ડિગો પ્લેનમાં ફ્લાઇટ દરમિયાન એસીએ કામ કરવાનું બંધ કરી દીધું, જેનાં કારણે મુસાફરોને ગરમી અને ગૂંગળામણનો સામનો કરવો પડ્યો હતો.
3. નબળી સીટો :
સપ્ટેમ્બર : એક ઉદ્યોગસાહસિકએ શિકાગો દિલ્હીની એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ફર્સ્ટ ક્લાસમાં નબળી સીટો અને ગંદકી અંગે ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે સીટો ફાટી ગઈ હતી અને ખોરાકની ગુણવત્તા પણ હલકા સ્તરની હતી. આ ઘટના પછી, એર ઇન્ડિયાએ તેને સંપૂર્ણ રિફંડ આપ્યું હતું.
સમસ્યાઓ અને કારણો
1. ફ્લાઇટ વિલંબ અને રદ : હવામાન, તકનીકી ખામી અથવા એરલાઇન કામગીરીને વિલંબ થઈ શકે છે.
2. ચેક-ઇન અને બોર્ડિંગ : લાંબી કતારો, કર્મચારીઓની અછત અને ઓવરબુકિંગને કારણે અસુવિધા થઈ શકે છે.
3. કસ્ટમર સર્વિસનો અભાવ : એરલાઇન સ્ટાફની સારી વર્તણૂકનો અભાવ અને ફરિયાદોનું નિરાકરણ ન આવવાને કારણે સમસ્યાઓ વધી જાય છે.
4.મોંઘી ટિકિટ અને ચાર્જિસ : ટિકિટનાં ભાવમાં અચાનક વધારો અને વધારાનાં ચાર્જ અંગે સ્પષ્ટતાનો અભાવ એ એક મોટી સમસ્યા બને છે.
છેલ્લાં 4 વર્ષમાં નોંધાયેલી ફરિયાદો
2021માં – 12670 ફરિયાદો
2022માં – 08578 ફરિયાદો
2023માં – 12657 ફરિયાદો
2024માં – 16715 ફરિયાદો