હિરાસર ફેઈઝ-વનની 20 ટકા કામગીરી બાકી અને એઈમ્સની 40 ટકા: આઈપીડી શરૂ કરાશે
500 બેડની સુવિધાવાળી ઝનાના હોસ્પિટલની આવતાં સપ્તાહે કલેકટર મુલાકાત કરશે: કામગીરી ઝડપી નહીં તો નોટીસ ઈસ્યુ કરાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના બે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક હિરાસર એરપોર્ટ અને એઈમ્સની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા આજરોજ એઈમ્સના ડિરેકટર સહિતના અધિકારીઓ સાથે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં હિરાસર એરપોર્ટ અને એઈમ્સની કામગીરી ઝડપી કરવા કલેકટરે તાકિદ કરી હતી.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર 1000 હેકટરથી વધુ વિસ્તારમાં આકાર લઈ રહેલા આ એરપોર્ટમાં ફેઈઝ-વનનું કામ 80 ટકા પૂર્ણ થયું છે અને 20 ટકા કામગીરી ઝડપી કરવા કલેકટરે આજરોજ મિટીંગ બોલાવી હતી. સાથે વધુમાં કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે રન-વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તથા ટેમ્પરરી ટર્મિનલની કામગીરી ઝડપી કરવા આમ હિરાસર એરપોર્ટની કામગીરી આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો કરાશે. આ સાથે એઈમ્સની કામગીરી 60 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં ઓપીડી ચાલુ કરવામાં આવી છે અને આઈપીડીની કામગીરી વહેલી તકે શરૂ કરવા તાકિદ કરાશે. આમ તા. 23 એપ્રિલ સુધીમાં આઈપીડી શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે.
વધુમાં આજરોજ કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રાજકોટના લોકોને લાંબા સમયથી જે સમસ્યા નડી રહી હતી તેનો પણ અંત આવશે. નવા 500 બેડની સુવિધા ધરાવતી ઝનાના હોસ્પિટલનું કામ ઝડપી કરવા કોન્ટ્રાક્ટરોને તાકિદ કરવામાં આવશે. અદ્યતન સુવિધાથી સજજ ઝનાના હોસ્પિટલ જાન્યુઆરીમાં શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરી હતી તેમજ આવતા સપ્તાહમાં કલેકટર અરૂણ મહેશ બાબુ ઝનાના હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સમિક્ષા કરશે તથા કામગીરી ઝડપી નહીં થાય તો પીઆઈયુ મારફત કોન્ટ્રાક્ટરને નોટીસ ફટકારવામાં આવશે તેવું અંતમાં કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.



