અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા મંત્રીઓએ નુકસાન થયાનું સ્વીકાર્યું
પાંચ મંત્રીએ જમીનસ્તરનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો, બેઠક બાદ સમીક્ષા કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી કારતક મહિનામાં વરસી રહેલી કમોસમી આફતે ધરતીપુત્રોની મુશ્કેલી વધારી દીધી છે. રાજ્યમાં 1 થી 8 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જિલ્લાઓમાં તૈયાર થયેલા મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા સરકારે પણ પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓ મેદાનમાં ઉતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળી અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આજે કૃષિમંત્રી સહિતના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા અને માવઠાના કારણે પાકને નુકસાન થયાનો સ્વીકાર કર્યો હતો. સરકારે ખેડૂતોને જરુરી મદદની હૈયાધારણા આપી છે ત્યારે હવે આ મામલે રાજનીતિ પણ ગરમાઈ છે. કોંગ્રેસે સર્વેના નાટક બંધ કરી ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની માગ કરી છે.
રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે, માવઠાથી થયેલાં નુકસાન અંગે રાજ્યના પાંચ મંત્રીઓએ જમીનસ્તરનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠક બાદ આ રિપોર્ટની સમીક્ષા કરીને ખેડૂતો માટે સહાયની જાહેરાત થવાની શક્યતા છે. રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ખેડૂતો એકલા નથી – સરકાર તેમના સાથે છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જરૂરી પગલું ભરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ પર સતત નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીની સૂચના અનુસાર કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગર, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તાપી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અમરેલી પહોચ્યા હતા. એટલું જ નહીં, આ મંત્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે.
- Advertisement -
સરકારે સર્વેનું નાટક બંધ કરી પાક ધિરાણ માફ કરી દેવું જોઈએ: આંબલિયા
ગુજરાતમાં કમોસમી વરસાદ મુદ્દે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, ચોમાસામાં હેલી થાય તેવો વરસાદ વરસી રહ્યો છે. ડાંગર, મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોમાં નુકસાન થયું છે. સરકારે જાહેરાતમાંથી બહાર નીકળી વાસ્તવમાં ખેડૂતને મદદ થાય તેવું કરવું જોઈએ. ગાય વર્ષે ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો હતો અને આ વર્ષે પણ ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો છે. સરકારે સર્વેનું નાટક બંધ કરી ચાલુ વર્ષેનું પાક ધિરાણ માફ કરી દેવું જોઈએ.
ઓલપાડના ધારાસભ્યએ ખેડૂતોને વળતર આપવા CMને પત્ર લખ્યો
સુરતના ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલી નુકસાની બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ઓલપાડ તાલુકામાં 15થી 18 હજાર હેકટરમાં ડાંગરનું તેમજ અન્યમાં કઠોળ, શાકભાજીનું વાવેતર હતું. કમોસમી વરસાદને પગલે પાકોમાં ભારે નુકસાન થયું છે તો ઝડપથી સર્વે કરાવી વળતર ચૂકવવા રજૂઆત કરી છે.



