– વર્લ્ડ ચેમ્પીયનશીપ અને એશિયન ગેમ્સમાં ગૌરવ વધાર્યા બાદ વધુ એક સિદ્ધિ
ઈન્ટરનેશનલ કક્ષાએ શાનદાર પ્રદર્શન કરીને આકર્ષણનું કેન્દ્ર બની ગયેલા અમદાવાદના આર્યન નેહરાએ તાજેતરમાં જ નવી સિદ્ધિ હાંસલ કરી છે. ફિલિપાઈન્સના ન્યુ કલાર્ક સીટી ખાતે 26થી29મી ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી 11મી એશિયન એજ ગ્રુપ એકવેટિક (સ્વીમીંગ) ચેમ્પીયનશીપમાં નહેરાએ એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. આર્યન માટે અત્યાર સુધીની આ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. તેણે સિનિયર કેટેગરીમાં ભારત માટે ભાગ લઈને ઈન્ટરનેશનલ લેવલ પર પ્રથમ મેડલ જીત્યો છે.
- Advertisement -
18+ વયની કેટેગરીમાં આર્યન નહેરાએ ભારતીય ટીમ વતી ભાગ લઈને 4ડ્ઢ200 મીટર ફ્રી સ્ટાઈલ રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આર્યન નહેરા ઉપરાંત આ ઈવેન્ટમાં ભાગ લેનારા અન્ય ત્રણ સ્વિમરમાં શ્રીહરિ નટરાજ, સાજન પ્રકાશ અને અનીસ ગૌડાનો સમાવેશ થતો હતો. ભારતના આ ચાર સ્વિમરે 4ડ્ઢ200 મીટર ફ્રી સ્ટાઈલ રિલેમાં 7 મીનીટ અને 7:26.64ના સમયમાં અંતર પૂર્ણ કર્યું હતું.
રિલેમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત આર્યને 400, 800 અને 1500 મીટર ફ્રી સ્ટાઈલમાં ત્રણ સિલ્વર મેડલ પણ જીત્યા હતા. આ અગાઉ વર્લ્ડ ચેમ્પીયનશીપ અને એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા આર્યન નહેરા માટે આ પ્રદર્શન તેની સૌથી મોટી સફળતા છે. ઉલ્લેખનીય છે કે, આર્યન નહેરા રાજકોટના પુર્વ મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાના પુત્ર છે.