ગુજરાત ‘સ્પોર્ટ્સ હબ’ બનશે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક ક્ષેત્ર માટે રૂ. 2006 કરોડની જોગવાઈ
17,500 ખેલાડીની કેપેસિટી ધરાવતું ‘ઓલિમ્પિક વિલેજ’ અને કરાઈમાં 50 હજારની કેપેસિટીનું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ તૈયાર થશે : રૂ.90 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું હોકી સ્ટેડિયમ અને શૂટિંગ રેન્જ બનશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત વિધાનસભા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની બજેટ માંગણીઓ પર ચર્ચા દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના યુવાનોના સર્વાંગી વિકાસ અને રમતગમત ક્ષેત્રે ગુજરાતના વધતા પ્રભાવને રેખાંકિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવવા માટે સરકાર દ્રઢ સંકલ્પબદ્ધ છે અને આ માટે વર્ષ 2025-26ના બજેટમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે કુલ રૂ.2006 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ બજેટમાં માત્ર રમતગમત ક્ષેત્ર માટે જ રૂ. 1,331 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં આગેવાન બનાવવાના હેતુસર અનેક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ 335 એકરમાં ફેલાયેલું ‘જટઙ સ્પોર્ટ્સ એન્ક્લેવ’ આ સમગ્ર મિશનનું કેન્દ્રબિંદુ બનશે. આ એન્ક્લેવમાં 12,000 દર્શકોની ક્ષમતા ધરાવતું ઓલિમ્પિક સ્તરનું એક્વેટિક સેન્ટર, 24,000ની ક્ષમતાવાળું ટેનિસ સેન્ટર અને 18,000 બેઠક ક્ષમતાવાળું આધુનિક ઇન્ડોર એરેના તૈયાર કરવામાં આવશે. ગાંધીનગર નજીક કરાઈ ખાતે આવેલી ગુજરાત પોલીસ એકેડેમીમાં 143 એકર વિસ્તારમાં 50,000 દર્શકોની ક્ષમતાવાળું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ તથા આધુનિક શૂટિંગ રેન્જનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ખેલાડીઓ માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા અમદાવાદના ભાટ વિસ્તારમાં 135 એકરમાં 17,500 ખેલાડીઓ રહી શકે તેવું આધુનિક ઓલિમ્પિક ગેમ્સ વિલેજ પણ બનાવવામાં આવશે. ભવિષ્યમાં મોટી રમતગમત સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ આ સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હાઈ-પરફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે, જેથી ગુજરાતના યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારો દેખાવ કરી શકે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉભા કરવા માટે રૂ. 165 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાની સુવિધાઓ વિકસાવવા રૂ. 100 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં હોકીની રમતને પ્રોત્સાહન આપવા રૂ. 90 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું હોકી સ્ટેડિયમ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવાયો છે.
વર્ષ 2010માં શરૂ થયેલા ખેલ મહાકુંભનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ત્યારે માત્ર 16.50 લાખ ખેલાડીઓ ભાગ લેતા હતા, જ્યારે આજે વર્ષ 2025-26માં આ સંખ્યા વધીને 72 લાખ સુધી પહોંચી છે, જે રમતગમત પ્રત્યે ગુજરાતના બદલાતા દૃષ્ટિકોણનું પ્રતિબિંબ છે. ઇન સ્કૂલ યોજના હેઠળ રાજ્યની 230 શાળાઓમાં 1.29 લાખથી વધુ બાળકોને રમતગમતની તાલીમ આપવામાં આવી રહી છે. જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ (ઉકજજ) પાછળ દર વર્ષે રૂ. 95 કરોડનો ખર્ચ કરી 5300થી વધુ બાળકોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ખેલાડીઓએ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ 170 અને રાજ્ય કક્ષાએ 1938 મેડલ જીત્યા છે. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (જૠઋઈં) દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં પણ ગુજરાતના ખેલાડીઓ નોંધપાત્ર સફળતા મેળવી રહ્યા છે. વર્ષ 2024-25ની 68મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ 32 ગોલ્ડ, 31 સિલ્વર અને 54 બ્રોન્ઝ સાથે કુલ 117 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારનો ઉદ્દેશ માત્ર યુવાનોને મેડલ જીતાડવાનો કે રોજગારી આપવાનો નથી, પરંતુ તેમને સાંસ્કૃતિક ગૌરવ સાથે વિશ્વ ફલક પર ચેમ્પિયન તરીકે ઉભા કરવાનો છે. આજે રજૂ કરાયેલા આ આંકડાઓ માત્ર બજેટની જોગવાઈ નથી, પરંતુ ગુજરાતના યુવાનોના પરસેવાને મેડલમાં પરિવર્તિત કરવાનો સરકારનો દૃઢ નિર્ધાર દર્શાવે છે. ચર્ચા પૂર્ણ થયા બાદ વિધાનસભા ગૃહમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની રૂ. 2006 કરોડની અંદાજપત્રિય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.
12 નવી લાઈબ્રેરીઓ અને 16 સોલાર પાવર આધારિત લાઈબ્રેરીઓનું નિર્માણ કરાશે
યુવાનોના બૌદ્ધિક વિકાસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ગ્રંથાલયોના આધુનિકીકરણ માટે રૂ. 187 કરોડની જોગવાઈ કરી છે. આ હેઠળ આદિવાસી વિસ્તારોમાં 12 નવી લાઈબ્રેરીઓ અને 16 સોલાર પાવર આધારિત લાઈબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવશે. સાહિત્યકારોને પ્રોત્સાહન આપવા સાહિત્ય ગૌરવ પુરસ્કારની રકમ રૂ. 1 લાખથી વધારીને રૂ. 2 લાખ અને યુવા ગૌરવ પુરસ્કારની રકમ રૂ. 51 હજારથી વધારીને રૂ. 1 લાખ કરવામાં આવી છે. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ માટે રૂ. 226 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ હેઠળ કચ્છના વડીમેડી અને પ્રભાસ પાટણના સૂર્યમંદિર જેવા ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ અને પુન:સ્થાપનનું કામ હાથ ધરવામાં આવશે. કેવડિયામાં 562 રજવાડાની એકતાનું ભવ્ય સંગ્રહાલય તથા દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન પર આધારિત મ્યુઝિયમ પણ આકાર લઈ રહ્યા છે. સાથે સાથે ‘કલા મહાકુંભ’ અને ‘માધવપુર ઘેડનો મેળો’ જેવા આયોજનો દ્વારા ગુજરાતની લોકકલાને વૈશ્વિક મંચ આપવામાં આવી રહ્યો છે.



