દસ વર્ષથી શારીરિક-માનસિક ત્રાસ: મિલકતમાં હિસ્સો ન આપવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
છેલ્લા દસ વર્ષથી પતિ અને બાળકો સાથે અમદાવાદમાં રહેતા રીંકુ હિતેશ કિયાડાએ રાજકોટના સસરા પક્ષના લોકો વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કરી રાજકોટ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે પોલીસ કમિશનરને તેમના સસરાના ઘરે રહેવાનો કાયદેસરનો અધિકાર અપાવવા અને પોલીસ રક્ષણ આપવા માટે વિનંતી કરી છે. રીંકુ હિતેશ કિયાડાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમના લગ્ન 2012માં હિતેશ હરકાંતભાઈ કિયાડા સાથે થયા હતા અને તેમને બે સંતાનો છે. લગ્ન બાદથી જ સસરા પક્ષના લોકો તેમને પસંદ કરતા ન હોવાથી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. આથી, છેલ્લા દસ વર્ષથી તેઓ બાળકો અને પતિ સાથે અમદાવાદમાં રહે છે, જ્યાં તેમના પતિ નોકરી કરે છે. જ્યારે પણ તેઓ રાજકોટમાં સસરાના ઘરે આવે છે, ત્યારે સસરા તેમને ગાળો આપી અને ઢીકા-પાટુનો માર મારે છે. આ ઉપરાંત, મિલકતમાં કાયદેસરનો હિસ્સો આપવાને બદલે મેણાં મારીને કહે છે કે તેઓ પિયરથી કરિયાવરમાં કંઈ લાવ્યા નથી. ગત તા. 28 જુલાઈ, 2025ના રોજ તેઓ અમદાવાદથી પતિ અને બાળકો સાથે રાજકોટ આવ્યા ત્યારે સસરા હરકાંતભાઈએ તેમને જોઈને ઉશ્કેરાઈને માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમયે જેઠના પત્ની પ્રજ્ઞા અને તેમની દીકરી મીરાંએ પણ તેમને માર માર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચતા સસરાએ પોલીસની હાજરીમાં પણ તેમના માથામાં માર મારીને ’તારા બાપ પાસેથી પાંચ કરોડ લઈ આવજે’ તેમ કહી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. રીંકુ કિયાડાએ પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે તેમને પતિ અને બાળકો સાથે અમૃતપાર્ક, રાજલક્ષ્મીમાં આવેલા સસરાના મકાનમાં રહેવાનો કાયદેસરનો અધિકાર આપવામાં આવે. ઉપરાંત, તેમને કોઈ પણ હેરેસમેન્ટ ન કરે તે માટે પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે. તેમણે સસરા, સાસુ, જેઠાણી અને તેમના બાળકો સામે પણ કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.