ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાત સરકારના નિર્દેશન હેઠળ, અમદાવાદ શહેર પોલીસે મિલકત વિરુદ્ધના ગુનાઓમાં જપ્ત કરાયેલ મુદ્દામાલ ફરિયાદીઓ અને માલિકોને ઝડપથી પરત કરવાના ઉદ્દેશ્ય સાથે “તેરા તુજકો અર્પણ” નામનો પ્રશંસનીય કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પહેલનો હેતુ ગુમ થયેલ કે ચોરાયેલ મુદ્દામાલ પરત મેળવવાની જટિલ પ્રક્રિયાથી અજાણ લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો છે. શહેર પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, અધિક પોલીસ કમિશ્નર (સેક્ટર-02) જયપાલ સિંઘ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર (ઝોન-06) ડો. રવિ મોહન સૈની, નાયબ પોલીસ કમિશનર પી.જી. જાડેજા (જે ડિવિઝન) અને મદદનીશ પોલીસ કમિશનર વાય.એ.ગોહિલ (કે ડિવિઝન) ના નેતૃત્વ હેઠળ, પોલીસ અધિકારીઓ અને સ્ટાફને ગુનાઓની ઝડપી તપાસ કરીને રિકવર કરાયેલ મુદ્દામાલ તાત્કાલિક પરત સોંપવા સૂચના આપવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ, ઝોન-06 માં આવેલા “જે” ડિવિઝન અને “કે” ડિવિઝનના પોલીસ સ્ટેશનો, જેમાં કાગડાપીઠ, દાણીલીમડા અને નારોલ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે, તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે.
- Advertisement -
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ, દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. રાવત, અને નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. દેસાઈ તથા સ્ટાફે “ઈઊઈંછ” પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલા મોબાઈલ ફોન પરત કરવામાં સફળતા મેળવી છે. કુલ 152 મોબાઈલ ફોન, જેની અંદાજીત કિંમત ₹22,66,856/- છે, ફરિયાદીઓને પરત સોંપવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદીઓને સામેથી બોલાવી, તમામ કાર્યવાહીમાં મદદ કરી અને ટૂંકા ગાળામાં મુદ્દામાલ પરત સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરી. આ પહેલથી ફરિયાદીઓ અને અરજદારો ભાવવિભોર થયા હતા અને તેમણે અમદાવાદ પોલીસ તથા ઝોન-06, “કે ડિવિઝનની ટીમનો વારંવાર આભાર વ્યક્ત કર્યો. અમદાવાદ શહેર પોલીસે આ કાર્યક્રમ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત કરીને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. આ પ્રશંસનીય કામગીરી દર્શાવે છે કે અમદાવાદ પોલીસ નાગરિકોની સેવા અને સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છે.
કયા વિસ્તારમાંથી કેટલા મોબાઇલ પરત કરાયા ?
કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા 47 મોબાઈલ ફોન (કિંમત: ₹8,18,146/-)
દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા 51 મોબાઈલ ફોન (કિંમત: ₹6,77,000/-)
નારોલ પોલીસ સ્ટેશન દ્વારા 54 મોબાઈલ ફોન (કિંમત: ₹7,71,710/-)