સ્થાનિક પોલીસ ઓચિંતી તપાસ કરી નજર પણ રાખી રહી છે
અસામાજીક તત્વોને સુધરી જવા ચેતવણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદ શહેરના જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર, ઈસનપુર, વટવા અને જીઆઇડીસી વટવા સહિતના ચારેય પોલીસ સ્ટેશનોમાં મળી, કુલ 73 માથાભારે તથા અવારનવાર ગુન્હાઓ કરતા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવેલી છે. જેઓને અલગ અલગ એજન્સી દ્વારા ચેક કરવાની સાથે સાથે સ્થાનિક પોલીસ દ્વારા પણ અવાર નવાર ચેક કરવાનું શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ. જાડેજા, મણિનગર પીઆઈ ડી.પી. ઉનડકટ, વટવા પીઆઈ પી.બી.ઝાલા તથા જીઆઇડીસી પીઆઈ આર.એમ. પરમારની હાજરીમાં તેઓના વિસ્તારના લિસ્ટ મુજબના આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી, ડી સ્ટાફના પીએસઆઇ તથા જવાનોની હાજરીમાં, ઓળખ પરેડ રાખી, ભૂતકાળમાં ક્યાં ક્યાં ગુનાઓમાં પકડાયેલ હતા, હાલમાં શું શું પ્રવૃતિ કરે છે…? વિગેરે બાબતે જાણકારી મેળવી, માપમાં રહેવા અને સુધરી જવા જણાવવામાં આવ્યું હતું. ડી સ્ટાફના તમામ જવાનોને પણ બનાવેલ લિસ્ટ મુજબના આરોપીઓને અવાર નવાર ઓચિંતા ચેક કરી, તે તમામ ઉપર નજર રાખવા પણ સૂચના કરવા આવી હતી.
આમ, ડીસીપી ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે સ્થાનિક પોલીસ દ્વારા પણ લિસ્ટ મુજબના ગુન્હેગારોને અવાર નવાર ચેક કરી, કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવતા, ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે. આ ગુન્હેગારોને ચેક કરવાની કાર્યવાહી કાયમી રોજ બરોજ ચાલુ રાખવામાં આવશે, એવું ઝોન 06 પોલીસની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.



